પાણીગેટ પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો, કેમ વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પીઆઈને દેખાતા નથી ?
સમૃદ્ધિ સાભલ્ય કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં એલસીબીની ટીમે રેડ કરી
બે આરોપી ઝડપાયા, સંદીપ રાજુ રાજપુત અને મયુર વિકી કનોજીયા બે વોન્ટેડ જાહેર
વડોદરા તા.20
વડોદરા શહેરમાં કાયદા અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતી પોલીસ વચ્ચે પાણીગેટ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. ડભોઈ રોડ પર મહાનગર વુડાના મકાન સામે આવેલા સમૃદ્ધિ સાફલ્ય કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનો જથ્થો વેચાણની તૈયારી ચાલી રહી હતી, છતાં સ્થાનિક પાણીગેટ પોલીસને તેની ખબર શુધ્ધા ન હોવી પીઆઈ સાહિત્યના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી અનેક સવાલો ઊભા કરે છે.
એલ.સી.બી. ઝોન 3ની ટીમે બાતમીના આધારે રેડ કરી હતી. ત્યારેશસ્થળ પરથી ઉત્તમ જયસ્વાલ અને અભય જાદવને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે સંદીપ રાજપુત અને મયુર ઉર્ફે વિક્કી કનોજીયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ.2.52 લાખનો વિદેશી દારૂ, કાર અને મોબાઈલ મળી રૂ.3.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રકારનો મોટો જથ્થો રહેણાંક કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં રાખવામાં આવ્યો હતો અને ત્યાંથી સપ્લાય કરવાની તૈયારી ચાલી રહી હતી. આ દરમિયાન સ્થાનિક પાણીગેટ પોલીસ સંપૂર્ણપણે અજાણ હતી કે પછી જાણી જોઈને અનદેખા કરવામાં આવતું હતું તેવા સવાલો પાણીગેટ પોલીસની કામગીરી સામે ઊભા થયા છે.
વિસ્તારમાં લાંબા સમયથી દારૂના અડ્ડા ચાલતા હોવાના આક્ષેપો વચ્ચે પણ કોઈ અસરકારક કાર્યવાહી ન થવી તેને લઈને પાણીગેટ પોલીસની શંકાસ્પદ કામગીરી છાપરે ચડીને પોકારી રહી છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે પાણીગેટ પોલીસની સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પોલીસના સેટિંગના કારણે જ દારૂના બુટલેગરો બેકખૌફ બની ગયા છે. એલસીબી દ્વારા થયેલી આ કાર્યવાહીથી સાબિત થાય છે કે આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો રાફડો ફેલાયો છે, છતાં નિયમિત પેટ્રોલિંગ અને રેડનો અભાવ પાણીગેટ પોલીસનો જોવા મળે છે.
હવે મોટો પ્રશ્ન એ છે કે શું પાણીગેટ પોલીસ આ મામલે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરશે કે પછી આ ઘટના બાદ પણ આવા અડ્ડાઓ યથાવત રહેવા સાથે ચાલુ રહેશે ? એલસીબી ની રેડ ના પગલે સ્થાનિક પાણીગેટ પોલીસનું નાક તો કપાઈ ગયું છે ત્યારે શું ઊંઘમાંથી જાગીને હવે દારૂના અડ્ડા બંધ કરાવશે ખરી ?