સુરત મહાનગરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ શહેરના ડભોલી વિસ્તારમાં યોજાયેલી યુવા મોરચાની પત્રકાર પરિષદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિકાસ, સુરક્ષા અંગે સ્પષ્ટ અને દૃઢ દિશા રજૂ કરી. કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનો, મહિલાઓ અને વડીલો ને સંબોધતા તેમણે કહ્યું કે રાજ્યનો વિકાસ માત્ર યોજનાઓથી નહીં, પરંતુ જનસહભાગ અને જવાબદારીથી શક્ય બન્યો છે.અગાઉના સમયમાં વીજળીનો અભાવ, અસુરક્ષા અને કર્ફ્યુ જેવી પરિસ્થિતિઓ સામાન્ય હતી, પરંતુ હવે રાજ્યમાં સ્થિરતા અને વિશ્વાસનું વાતાવરણ ઉભું થયું છે.

સુરત શહેર આજે સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓમાં દેશના અગ્રણીઓમાં ગણાય છે અને આવનારા સમયમાં મેટ્રો સહિતના પ્રોજેક્ટ્સ શહેરના વિકાસને વધુ ગતિ આપશે. ડેપ્યુટી સી એમ હર્ષ સંઘવીએ ખાસ કરીને ટેકનોલોજી પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરીને ટ્રાફિક સમસ્યાઓમાં રાહત મળશે અને નાગરિકોને સમય બચતનો લાભ મળશે. સાથે તેમણે કહ્યું કે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ ત્યારે જ શક્ય બને, જ્યારે નાગરિકો શિસ્તનું પાલન કરે.
કાયદો અને વ્યવસ્થા અંગે ડેપ્યુટી સી એમ એ કડક વલણ દર્શાવ્યું. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને છૂટ નહીં આપવામાં આવે તેવી સ્પષ્ટતા કરી. પોલીસ વ્યવસ્થામાં સુધારા અંગે તેમણે જણાવ્યું કે 112 ઇમર્જન્સી સેવા દ્વારા ઝડપી પ્રતિસાદ મળી રહ્યો છે, જે સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. મહિલા સશક્તિકરણને લઈ તેમણે જણાવ્યું કે સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવી જરૂરી છે. અંતમાં તેમણે યુવાનોને આહવાન કર્યું કે તેઓ શહેરના વિકાસમાં આગળ આવી પોતાની જવાબદારી નિભાવે અને સુરતને વધુ પ્રગતિશીલ બનાવવા યોગદાન આપે.