Vadodara

SSG હોસ્પિટલમાં નશાખોરનો તરખાટ, સુગર ચેક કરવાના બહાને ઘૂસી હોસ્પિટલમાંથી ઇન્જેક્શનની ચોરી કરી

(પ્રતિનિધિ), વડોદરા. તા.20

વડોદરા :- શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં એક ચોંકાવનારી અને અજીબોગરીબ ઘટના સામે આવી છે. નશાના રવાડે ચડેલા એક યુવાને નશો કરવા માટે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડને નિશાન બનાવી ઇન્જેક્શનની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. સિક્યુરિટી સ્ટાફની સતર્કતાને કારણે યુવાન રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, મધ્યરાત્રિએ એક યુવાન સુગર લેવલ ચેક કરાવવાના બહાને SSG હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ઘૂસી આવ્યો હતો. નશાનો આદી આ યુવાન અડધી રાત્રે મેડિકલ સ્ટોર બંધ હોવાથી અને પોતાની પાસે નશા માટેનું સાધન ન હોવાથી ખૂબ જ લાચાર હતો. હોસ્પિટલમાં પ્રવેશ્યા બાદ તેણે હાજર તબીબોની નજર ચૂકવીને ટેબલ પર પડેલા ઇન્જેક્શન પોતાના ખિસ્સામાં સેરવી લીધા હતા.

ઇન્જેક્શન ચોરી લીધા બાદ યુવાન શંકાસ્પદ રીતે હોસ્પિટલ પરિસરમાં આટાફેરા મારી રહ્યો હતો. હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફને તેની હિલચાલ પર શંકા જતા તેને અટકાવી પૂછપરછ કરી હતી. નશામાં ધૂત હોવાને કારણે યુવાન સરખી રીતે ઉભો પણ રહી શકતો ન હતો. જ્યારે સિક્યુરિટી જવાનોએ તેની અંગઝડતી લીધી ત્યારે તેના ખિસ્સામાંથી ચોરાયેલા ઇન્જેક્શન ઉપરાંત નસીલા પદાર્થની બે પડીકીઓ પણ મળી આવી હતી.

યુવાનના હાથ તપાસતા તેના પર ઇન્જેક્શન દ્વારા નશો કરતા હોવાના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા હતા. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, આ યુવાન હોસ્પિટલની બહાર સૂઈ રહેલા લોકોની વચ્ચે જઈને નશો કરી રહ્યો હતો. પોતાની લત પૂરી કરવા માટે તેણે સરકારી હોસ્પિટલને જ પોતાનું અડ્ડો બનાવી લીધું હતું.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિક્યુરિટી સ્ટાફે તાત્કાલિક યુવાનને પકડી પાડી પોલીસને જાણ કરી હતી. હાલ રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરની સૌથી મોટી અને વ્યસ્ત હોસ્પિટલમાં જ આ પ્રકારની ઘટના બનતા તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.

Most Popular

To Top