8 બાળકોનાં મોતથી હાહાકાર, આરોપી શામાર એલ્કિન્સ પોલીસ ચેઝ બાદ માર્યો ગયો
અમેરિકાના Louisiana રાજ્યના Shreveport શહેરમાં થયેલી હચમચાવી નાખે તેવી ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા 8 બાળકોના મોત થયા છે, જ્યારે બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ વહેલી સવારે બની હતી અને સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે.પોલીસ અનુસાર મૃત બાળકોની ઉંમર 1 થી 14 વર્ષ વચ્ચે હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના ઘરેલુ વિવાદ (ડૉમેસ્ટિક વાયોલન્સ) સાથે જોડાયેલી હોઈ શકે છે, જોકે ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ ગોળીબારના મુખ્ય શંકાસ્પદ તરીકે 31 વર્ષીય શામાર એલ્કિન્સનું નામ સામે આવ્યું છે. અહેવાલો મુજબ ઘટના બનેલા સ્થળે રહેતા કેટલાક બાળકો સાથે આરોપીનો પરિવારિક સંબંધ પણ હતો. તેમજ પાડોશીઓએ જણાવ્યું કે તેઓ થોડા દિવસ પહેલા તે બાળકો સાથે જોવા મળ્યો હતો.
પોલીસે જણાવ્યું કે ઘટનાના બાદ આરોપી સ્થળ પરથી વાહન હાઇજેક કરીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસએ તેનો પીછો કર્યો અને Bossier Parish વિસ્તારમાં થયેલી ચેઝ દરમિયાન પોલીસે ગોળીબાર કર્યો, જેમાં આરોપી મોતને ભેટ્યો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ સમગ્ર ઘટના દરમિયાન ત્રણ અલગ અલગ ઘરોમાંથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે પ્રાથમિક રીતે એવું માનવામાં આવે છે કે ગોળીબાર માત્ર એક જ વ્યક્તિએ કર્યો હતો.
અહેવાલો મુજબ મૃત બાળકોમાંના કેટલાક આરોપીના પોતાના સંતાનો હોવાનું પણ બહાર આવ્યું છે, જેના કારણે આ ઘટનાને ઘરેલુ હિંસાની ગંભીર ઘટના તરીકે જોવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ શરૂ કરી છે. ઘટનાએ સમગ્ર અમેરિકામાં ચિંતા ઊભી કરી છે અને સુરક્ષા તથા ઘરેલુ હિંસા સંબંધિત મુદ્દાઓ પર ફરી ચર્ચા તેજ બની છે. હાલ અધિકારીઓ ઘટનાના ચોક્કસ કારણો અને પૃષ્ઠભૂમિ વિશે વધુ તપાસ કરી રહ્યા છે.