Vadodara

વડોદરામાં ‘પટેલભાઈ’નો આતંક: રોકાણકારોને ડબલ પૈસાની લાલચ આપી ₹2 કરોડ લઈ રફુ ચક્કર

વિશ્વાસ જીતવા પહેલા નાનું વળતર આપ્યું, પછી મોટી રકમ ઓળવી જઈ ઠગબાજ જીતેન્દ્રસિંહ ફરાર

વડોદરા: ​શહેરમાં ઓછા રોકાણમાં વધુ વળતરની લાલચ આપી નિર્દોષ નાગરિકોને ઠગતી એક ટોળકીનો પર્દાફાશ થયો છે. વડોદરામાં ઝટપટ નફાની લાલચમાં અનેક લોકોએ પોતાની મહેનતની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે. મૂળ રાજસ્થાનના અને ‘પટેલભાઈ’ તરીકે ઓળખાતા જીતેન્દ્રસિંહ માનકસિંહ રાજપુરોહિત સામે દોઢ થી બે કરોડ રૂપિયાની છેતરપિંડીના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ ભેજાબાજ શખ્સની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ શાણી હતી. તે લોકોને સસ્તું સોનું, સસ્તા ઇલેક્ટ્રોનિક સાધનો અથવા તો ઓનલાઇન સ્કીમ જેવી લોભામણી લાલચો આપતો હતો. શરૂઆતમાં તે લોકો પાસે નાનું રોકાણ કરાવતો અને તેના પર સારું વળતર પરત આપી તેમનો વિશ્વાસ જીતી લેતો હતો. એકવાર રોકાણકારને વિશ્વાસ બેસી જાય કે આ સ્કીમ ફાયદાકારક છે, એટલે તેઓ મોટું રોકાણ કરવા પ્રેરાતા. જ્યારે રોકાણકારો મોટી રકમ જમા કરાવતા, ત્યારે આ ઇસમ નાણાં લઈને ગાયબ થઈ જતો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે જીતેન્દ્રસિંહ રાજપુરોહિત ઉર્ફે પટેલભાઈ અગાઉ પણ વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અને જેલની સજા પણ ભોગવી છે. તેમ છતાં, જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે ફરીથી આ જ પ્રકારે લોકોને છેતરવાનું શરૂ કર્યું હોવાનું બહાર આવ્યું છે. હાલમાં તેની સામે ફરી એકવાર છેતરપિંડીના આક્ષેપો સાથે ભાંડાફોડ થયો છે અને ભોગ બનનારાઓએ ન્યાયની માંગ કરી છે.
પોલીસ અને તંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ ટૂંકા સમયમાં નાણાં ડબલ કરી આપવાની અથવા તો બજારભાવ કરતા ખૂબ જ સસ્તી વસ્તુઓ આપવાની લાલચ આપે, તો તેનાથી સાવધ રહેવું. કોઈપણ સ્કીમમાં રોકાણ કરતા પહેલા તેની સત્યતા તપાસવી અનિવાર્ય છે. જો તમારી આસપાસ પણ આવો કોઈ શખ્સ લોભામણી લાલચ આપતો દેખાય, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ જેથી વધુ લોકોને છેતરાતા બચાવી શકાય.

Most Popular

To Top