ગામમાં બહુ ઓછો વરસાદ પડ્યો હતો, બધા પાણી બચાવી રહ્યા હતા અને ખેડૂતો ચિંતામાં હતા કે ખેતરને હવે ખેડવા કેમ? પાણી વિના ખેતી કેમ કરશું? ઘણાએ ખેતર ખેડવાનું જ માંડી વળ્યું. ગામને પાદરની થોડે દૂર જંગલની શરૂઆત પહેલા એક સાવ ઉજ્જડ જમીન હતી ત્યાં એક ફકીર રહેતો હતો તે ઘણી દૂર જઈને નદી તળાવ શોધી પાણી લઇ આવીને જમીનને ભીની કરતો રહેતો. ઉજ્જડ જમીન હતી, ખેડેલી જમીન ન હતી, બસ ફકીર તેને રોજ પાણી નાખીને ભીની કરતો.
ગામ લોકો તેને પાગલ કહેતા અને આમ પાણીનો બગાડ ન કરવા કહેતા પણ તે કોઈનું સાંભળતો નહીં અને જમીન ભીની જ રાખતો. કઈ વાવતો નહીં. જમીન ખેડતો પણ નહીં માત્ર તેને પાણી નાખી ભીની રાખતો. એક સાધુ ત્યાંથી પસાર થયા તેમને ફકીરને પાગલ ન ગણ્યો પણ પાસે જઈને પૂછ્યું, ‘બાબા, આ જમીન ઉજ્જડ છે, ખેડેલી નથી તમે તેમાં કઈ વાવ્યું નથી તો પછી તેમાં રોજ પાણી શું કામ નાખો છો.’
ફકીર તો પાણી નાખતો રહ્યો માત્ર એટલું જ બોલ્યો, ‘મન અને જમીન ભીના હોવા જરૂરી છે.’ સાધુ આગળ નીકળી ગયા ફકીરે પોતાનું કામ ચાલુ રાખ્યું. જમીનમાં લીલું ઘાસ ઉગવા લાગ્યું હતું. ધીમે ધીમે ઉજ્જડ જમીન હરિયાળી થવા લાગી. ફકીર પોતાનું કામ કરતા રહ્યા. થોડા વર્ષો પછી સાધુ ફરી ત્યાંથી પસાર થયા તેમના મનમાં પેલા ફકીરની યાદ આવી. એક લીલાછમ ઘાસ અને સુંદર ફૂલ છોડ અને વૃક્ષોથી લહેરાતો બગીચો જોઇને રોકાયા કે બે ઘડી આરામ કરી લઉં.
તેમને ત્યાં આજુબાજુ આરામ કરતા વટેમાર્ગુઓને પૂછ્યું, ‘અહીં એક ઉજ્જડ જમીનને ભીની રાખતો ફકીર હતો તે ક્યાં છે?’ વટેમાર્ગુ બોલ્યો, ‘સાધુ બાબા, આ લહેરાતો બગીચો ફકીરે ભીની રાખેલી ઉજ્જડ જમીન જ છે અને તેઓ આ બગીચાની સંભાળ ગામના યુવાનોને સોંપી પોતે થોડે દૂર આવેલી ઉજ્જડ જમીનને ભીની રાખવામાં વ્યસ્ત છે.’ સાધુ ફકીરબાબાને મળવા ગયા જોયું તો તેઓ હજી જમીનને પાણી નાખી ભીની કરી રહ્યા હતા.
સાધુએ પૂછ્યું, ‘બાબા, પેલી ઉજ્જડ જમીન પર આવો સુંદર બગીચો તમે ઉગાડ્યો બહુ સરસ’ ફકીર બોલ્યા, ‘મેં કઈ નથી કર્યું મેં તો જમીન માત્ર ભીની રાખી. પવન સાથે ઉડીને કે પંખીઓ દ્વારા ચાંચમાંથી પડીને કે વટેમાર્ગુઓએ ફેંકેલા બીજ ત્યાં પડીને જમીન ભીની હોવાથી ઉગ્યા. જમીન ભીની હોય તો કઈ પણ ઉગી શકે હંમેશા મન અને જમીન ભીના રાખવા.’ સાધુ બોલ્યા, ‘બાબા એટલે?’ ફકીર બોલ્યા, ‘જો જમીન ભીની હોય તો તેની પર પડેલ બીજ ઊગી નીકળે તેમ જો મન સંસ્કારો અને લાગણીથી ભીનું હોય તો જે કઈ સારા વિચાર મળે તે ખીલી ઉઠે.’ ફકીરે બહુ ઊંડી વાત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.