કાશીનગરમાં માત્ર કોંગ્રેસના ઝંડા દૂર થતા રાજકીય તોફાન ઉછળ્યું
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરમાં રાજકીય ગરમાવો શિખરે પહોંચી રહ્યો છે. ઉધના વિસ્તારના કાશીનગર મેન રોડ પર આજે સવારે થયેલી મહાનગરપાલિકાની કાર્યવાહીએ ભારે વિવાદ જગાવ્યો છે. આચાર સંહિતાના અમલના નામે દબાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીએ તટસ્થતા પર સવાલો ઉભા કર્યા છે.
કોગ્રેસ કાર્યકર્તા ના જણાવ્યા મુજબ, કાશીનગર વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચાર માટે લગાવવામાં આવેલા ઝંડા અને બેનરો આજે અચાનક હટાવવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી અને એક પછી એક તમામ કોંગ્રેસના પ્રચાર સામગ્રી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ દ્રશ્ય જોતા જ સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં સ્થળે ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે, આ કાર્યવાહી માત્ર વિપક્ષને નિશાન બનાવવાનો પ્રયાસ છે. તેમનું કહેવું છે કે જો આચાર સંહિતાનો કડક અમલ થતો હોય, તો અન્ય પક્ષોના ઝંડા કેમ યથાવત છે? ભાજપના પ્રચાર સામગ્રીને અસ્પર્શ રાખીને માત્ર કોંગ્રેસના ઝંડા દૂર કરવું એ તંત્રની નિષ્પક્ષતા પર શંકા ઊભી કરે છે.
સ્થાનિક કાર્યકરોએ જણાવ્યું કે, આ ઝંડા પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટનના ભાગરૂપે લગાવવામાં આવ્યા હતા અને તેની પરવાનગી પ્રક્રિયા પણ ચાલુ હતી. તેમ છતાં, કોઈ પૂર્વ સૂચના વિના આવી કાર્યવાહી કરવી યોગ્ય નથી. વધુમાં, અધિકારીઓએ “ઉપરથી આદેશ છે” એવું કહીને જવાબદારી ટાળી હોવાનું પણ કહેવામાં આવ્યું.
કોંગ્રેસે આ સમગ્ર ઘટનાને લોકશાહી મૂલ્યોના ભંગ તરીકે ગણાવી કડક વિરોધ નોંધાવ્યો છે. હવે આ મુદ્દો માત્ર ઝંડા હટાવવાનો નથી રહ્યો, પરંતુ ચૂંટણી પહેલા તંત્રની ભૂમિકા અને તેની નિષ્પક્ષતા અંગે ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે.