વિશ્વભરમાં ચાલી રહેલા મધ્ય પૂર્વના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)એ મોટું એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ જએજન્સીનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ વિશ્વ માટે ઈંધણ સપ્લાયના ઈતિહાસના સૌથી મોટા જોખમો માંથી એક બની શકે છે. ખાસ કરીને ઇરાન સંબંધિત યુદ્ધ અને હોર્મુઝ જળસંધિ (Strait of Hormuz)માં અવરોધને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર ભારે અસર પડી રહી છે.IEAના તાજેતરના અહેવાલ અનુસાર, વૈશ્વિક તેલ સપ્લાયમાં દરરોજ લગભગ 1.5 મિલિયન બેરલ જેટલો ઘટાડો નોંધાયો છે. અગાઉ જ્યાં 2026 માટે તેલની માંગ વધવાની ધારણા હતી, ત્યાં હવે અંદાજ છે કે માંગમાં લગભગ 80,000 બેરલ પ્રતિ દિવસનો ઘટાડો થશે.
હોર્મુઝ જળસંધિ મારફતે સામાન્ય રીતે દુનિયાના લગભગ 20% જેટલા તેલનો વેપાર થાય છે, પરંતુ હાલના સંઘર્ષને કારણે અહીંથી જહાજોની અવરજવર ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. આ કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે અને કેટલાક સમય માટે ભાવ 150 ડોલર પ્રતિ બેરલ નજીક પહોંચી ગયા હતા. IEAના વડાએ ચેતવણી આપી છે કે જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તે 1973 અને 1979ના તેલ સંકટ કરતાં પણ વધુ ગંભીર બની શકે છે.
હાલની સ્થિતિને વૈશ્વિક ઊર્જા સુરક્ષાના ઈતિહાસમાં સૌથી મોટી પડકારરૂપ પરિસ્થિતિ તરીકે ગણવામાં આવી રહી છે.
આ સંકટનો સૌથી વધુ પ્રભાવ એશિયા-પ્રશાંત વિસ્તાર સહિત તે દેશો પર પડી શકે છે જે મધ્ય પૂર્વના તેલ પર ભારે નિર્ભર છે. ઊંચા ભાવ અને સપ્લાયમાં ઘટાડાના કારણે વૈશ્વિક અર્થતંત્ર, મોંઘવારી અને પરિવહન ક્ષેત્ર પર પણ ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.IEAએ દેશોને સલાહ આપી છે કે તેઓ અનાવશ્યક સ્ટોકિંગથી બચી રહે અને ઊર્જા બજારમાં સ્થિરતા જાળવવા માટે સંયુક્ત પ્રયાસો કરે, જેથી વૈશ્વિક ઈંધણ સંકટને વધુ ગંભીર બનતા અટકાવી શકાય.