કેરળમાં ખડગેના વિવાદાસ્પદ નિવેદન બાદ વડોદરાના ‘કમલમ’ ખાતેથી કોંગ્રેસની આકરી ઝાટકણી
વડોદરા: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતની પ્રજા અંગે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેર ભાજપ દ્વારા આ મુદ્દે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે તેના શાસનકાળ દરમિયાન હંમેશા ગુજરાતની જનતા સાથે અન્યાય કર્યો છે અને હવે તેના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે.
વડોદરા ખાતે આવેલી ભાજપની ‘કમલમ’ કાર્યાલય પર આયોજિત એક પત્રકાર પરિષદમાં ડો. સોનીએ કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનને વખોડી કાઢ્યું હતું. તેમણે જણાવ્યું કે, કેરળમાં ભાષણ આપતી વખતે ખડગેએ ત્યાંની પ્રજાના વખાણ કરવાના બહાને “ગુજરાતની પ્રજા અભણ છે” તેવું સૂચિત કરતું નિવેદન આપ્યું છે. આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે.
આ પ્રસંગે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા શહેર ભાજપના મહામંત્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના નેતાઓએ એકસૂરે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા આવા અપમાનજનક નિવેદનોને ક્યારેય સહન કરશે નહીં અને આગામી સમયમાં લોકશાહીના માર્ગે ચૂંટણીમાં તેનો જડબાતોડ જવાબ આપશે. અંતમાં તેમણે ગુજરાતની પ્રજાને એકજૂટ રહેવાનો સંદેશ આપ્યો હતો.
શહેર ભાજપ પ્રમુખે વધુમાં ઉમેર્યું હતું કે:
*મહાન વિભૂતિઓનું અપમાન: ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન રાષ્ટ્રનાયકો આપ્યા છે, જેમણે આઝાદીની લડતમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. કોંગ્રેસે હંમેશા આ નેતાઓની અને ગુજરાતીઓની બુદ્ધિશક્તિની ઉપેક્ષા કરી છે.
*વિકાસમાં અવરોધ: કોંગ્રેસના શાસન દરમિયાન નર્મદા યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓને મંજૂરી આપવામાં વિલંબ કરી ગુજરાતને અન્યાય કરવામાં આવ્યો હતો. આજે એ જ નર્મદા યોજના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે જીવાદોરી સાબિત થઈ રહી છે.
*વડાપ્રધાનનું નેતૃત્વ: હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને દેશના વિકાસ માટે અવિરત કાર્ય કરી રહ્યા છે, જે કોંગ્રેસથી સહન થતું નથી.