Vadodara

વડોદરા: ‘વન ડે વન રોડ’ ઝુંબેશ હેઠળ ગેંડા સર્કલથી અમર કાર શોરૂમ સુધીનો માર્ગ ચકાચક કરાયો

મ્યુનિસિપલ કમિશનરના આદેશથી વોર્ડ નંબર 8 ની ટીમ દ્વારા સઘન સફાઈ અભિયાન: દબાણો દૂર કરી રોડ-ડિવાઈડરની કાયાપલટ કરાઈ

વડોદરા: શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશ્ય સાથે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘વન ડે વન રોડ’ ઝુંબેશ અંતર્ગત આજે શહેરના વ્યસ્ત ગણાતા ગેંડા સર્કલથી અમર કાર શોરૂમ સુધીના માર્ગની કાયાપલટ કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના સંકલન સાથે હાથ ધરાયેલા આ અભિયાનમાં રોડની સફાઈની સાથે સાથે દબાણો હટાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 8 દ્વારા આ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ ઓફિસર, સીનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર, ગાર્ડન વિભાગ, એન્જિનિયરિંગ વિભાગ અને દબાણ શાખાના સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી કરી હતી. આ માર્ગ પર લાંબા સમયથી જામી ગયેલી ધૂળ અને કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક રહીશો અને વિસ્તારના નોકરિયાત વર્ગે પાલિકાની આ કામગીરીની પ્રશંસા કરી હતી. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે, “પાલિકા દ્વારા જે રીતે સવાર-સાંજ કચરાની ગાડીઓ આવે છે અને હવે આ રીતે રસ્તાઓ સાફ કરવામાં આવે છે તે ખૂબ જ આવકારદાયક છે.” સાથે જ અન્ય નાગરિકોને અપીલ કરી હતી કે પાન-મસાલા ખાઈને રસ્તા પર ન થૂંકે અને સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે.


કઈ કઈ કામગીરી કરવામાં આવી?
સફાઈ અભિયાન દરમિયાન માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ ફૂટપાથ અને ડિવાઈડરની પણ સફાઈ કરવામાં આવી હતી.
*​દબાણ હટાવ્યા: રસ્તા પર નડતરરૂપ લારી-ગલ્લાના પથારાના દબાણો દૂર કરાયા હતા.

*​બાગાયતી કામ: ગાર્ડન વિભાગ દ્વારા ડિવાઈડર પર ઉગી નીકળેલું વધારાનું ઘાસ અને જંગલી કટિંગ દૂર કરવામાં આવ્યું હતું.
*​રિપેરિંગ કામ: એન્જિનિયરિંગ વિભાગ દ્વારા રોડ ડિવાઈડરનું રિપેરિંગ અને જરૂરી પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top