ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોની કનેક્ટિવિટી સુધારવા માટે ₹૩,૪૦૦ કરોડથી વધુના ખર્ચે ૫,૭૦૦ કિમી લાંબા રસ્તાઓના રીસરફેસિંગને મંજૂરી આપવામાં આવી છે.
આ સાથે જ રસ્તાઓની ગુણવત્તા જાળવવા માટે હવે ‘પરફોર્મન્સ બેઝ્ડ’ નવી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકારના કેબિનેટ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કુલ ૨,૩૪૨ જેટલા કામોને એકસાથે મંજૂરી અપાઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજય સરકારે રસ્તાના મેન્ટેનન્સ માટે વિશ્વસ્તરીય OPRC અને PBMC મોડેલ અપનાવવાનો નિર્ણય કર્યો છે.
હવે કોન્ટ્રાક્ટરોએ માત્ર રસ્તો બનાવીને છૂટી જવાનું નથી, પણ તેની લાંબા ગાળાની જવાબદારી સ્વીકારવી પડશે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સને કારણે રસ્તાઓ પર વારંવાર ખાડા પડવાની સમસ્યા દૂર થશે. યોગ્ય સાઈનેજ અને ગુણવત્તાયુક્ત માર્કિંગને કારણે માર્ગ અકસ્માતો ઘટશે. વૈજ્ઞાનિક પદ્ધતિથી રસ્તાઓનું આયુષ્ય વધતા સરકારના લાંબા ગાળાના ખર્ચમાં ઘટાડો થશે.
હવે ‘કામ’ નહીં, ‘ગુણવત્તા’ પર થશે ચૂકવણી
૧. OPRC (₹૨૫ કરોડથી વધુના કામો): ૧૦ વર્ષનો કરાર રહેશે, જેમાં ૨ વર્ષ બાંધકામ અને ૮ વર્ષ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટરે કરવાનું રહેશે.
૨. PBMC (₹૨ થી ૨૫ કરોડના કામો): ૭ વર્ષનો કરાર રહેશે, જેમાં ૧ વર્ષ સપાટી સુધારણા અને ૬ વર્ષ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે. 3. કોન્ટ્રાક્ટરને ચૂકવણી કામના જથ્થાના આધારે નહીં, પરંતુ રસ્તાની લાઈવ ગુણવત્તા અને પરફોર્મન્સના આધારે કરવામાં આવશે.
કોન્ટ્રાક્ટરોની જવાબદારીમાં વધારો
નવી પદ્ધતિ મુજબ રસ્તો બનશે, કોન્ટ્રાક્ટરે માત્ર ડામરની સપાટી જ નહીં, પરંતુ• સાઈડ શોલ્ડર અને ડ્રેનેજની જાળવણી, રોડ ફર્નિચર, સાઈન બોર્ડ અને માર્કિંગ,• ડિજિટલ મોનિટરિંગ અને પરફોર્મન્સ ઈન્ડિકેટર્સનું પાલન કરવું પડશે.
રાજ્યના ૬૭ ટકા જેટલા નોન-પ્લાન રસ્તાઓ કવર થઈ જશે
અંતરિયાળ જોડાણ: ખાસ કરીને ગામડાઓના પરાં અને અંતરિયાળ વસાહતોને મુખ્ય માર્ગો સાથે જોડવામાં આવશે, જેનાથી ગ્રામ્ય જીવનની હાડમારી દૂર થશે.
આગામી લક્ષ્યાંક: જે રસ્તાઓને ૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ રસ્તાઓને પણ આગામી વર્ષે આ યોજનામાં સમાવી લેવામાં આવશે.