Gujarat

‘વિરાસત, વિકાસ અને વિશ્વાસ’ના સંગમ સાથે ગુજરાતને ₹૧૯,૮૦૦ કરોડના વિકાસ પ્રોજેકટનું લોકાર્પણ – ખાતમુહૂર્ત થયુ

“પંચાયતથી પાર્લામેન્ટ સુધીનો ભરોસો જ અમારી તાકાત” – વાવ-થરાદમાં વિપક્ષના અપપ્રચાર સામે પીએમ મોદીનો હુંકાર

ગાંધીનગર,તા.31

વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા પીએમ નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ-થરાદ ખાતેથી સમગ્ર રાજ્યને ₹૧૯,૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોને લીલી ઝંડી આપી હતી. પંચાયતથી પાર્લામેન્ટ સુધી જનતાએ મૂકેલા અતૂટ ભરોસાને વિકાસની સુપરફાસ્ટ એક્સપ્રેસનું ઇંધણ ગણાવતા વડાપ્રધાને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ડીસા એરબેઝ: સુરક્ષા અને રોજગારીનો નવો અધ્યાય

પ્રધાનમંત્રીનું વિમાન આજે સીધું નવનિર્મિત ડીસા એરબેઝ પર ઉતર્યું હતું. આ ક્ષણને ઐતિહાસિક ગણાવતા તેમણે કહ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ૧૩૦ કિમી દૂર આવેલું આ એરબેઝ દેશની સુરક્ષા માટે વ્યૂહાત્મક (Strategic) રીતે અત્યંત મહત્વનું છે. અગાઉની સરકારોએ ગુજરાત પ્રત્યેના અણગમાને કારણે આ ફાઈલો દબાવી રાખી હતી, પરંતુ અમારી સરકારે તેને બહાર કાઢી કામ પૂર્ણ કર્યું છે, જેનાથી હવે આ વિસ્તારમાં રોજગારી અને વિકાસની નવી ક્ષિતિજો ખુલશે.”

વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતની મજબૂત છબી

વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક કટોકટીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, “જ્યારે દુનિયા ઇંધણ અને મોંઘવારીથી પીડાઈ રહી છે, ત્યારે ભારતની સફળ વિદેશ નીતિ અને દેશવાસીઓની એકતાને કારણે આપણે પરિસ્થિતિ નિયંત્રણમાં રાખી શક્યા છીએ.”

વિપક્ષ પર આકરા પ્રહાર: ‘દેશને વહેંચનારાઓથી સાવધ રહો’

વડાપ્રધાને વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “જ્યારે દેશને એકતા અને સંયમની જરૂર છે, ત્યારે કેટલાક લોકો ભય અને અફવાઓ ફેલાવીને જનતાને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈશ્વિક મંચ પર ભારતની છબી ખરાબ કરનારા તત્વોથી જનતાએ સાવધ રહેવું જોઈએ.”

બનાસની ધરતી સાથે આત્મીય નાતો

જૂની યાદો વાગોળતા પીએમ મોદી ભાવુક થયા હતા અને કહ્યું હતું કે, “બનાસકાંઠાનું એક પણ ગામ એવું નથી જ્યાં મારી યાદો ન હોય. અહીંના લોકોનો સ્નેહ અને ‘બાજરીનો રોટલો-લસણની ચટણી’નો પ્રેમ હું ક્યારેય ભૂલી શકું તેમ નથી.” તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે ૨૫ વર્ષ પહેલા જનતાએ જે જવાબદારી સોંપી હતી, તે આજે ‘મિશન મોડ’માં પૂર્ણ થઈ રહી છે.

માતૃશક્તિને વંદન

સંબોધનના અંતે વડાપ્રધાને મા અંબા અને ભગવાન શ્રી ધરણીધરના ચરણોમાં વંદન કરી મહાવીર જયંતી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

વિકાસના મુખ્ય અંશો

  • આવાસ યોજના: રાજ્યભરમાં ૩૮ હજારથી વધુ પરિવારોએ આજે પોતાના નવા પાકા ઘરમાં મંગલ પ્રવેશ કર્યો છે.
  • ઊર્જા ક્રાંતિ: ખાવડા સોલર પાર્ક દ્વારા ૪ ગીગાવોટ વીજળી પેદા થશે, જે ગુજરાતને રિન્યુએબલ એનર્જીમાં વિશ્વનું કેન્દ્ર બનાવશે.
  • શહેરી વિકાસ: ગુજરાતનું બજેટ જે ૨૦૦૫માં ₹૬૫૦ કરોડ હતું, તે આજે વધીને ₹૩૩,૦૦૦ કરોડથી વધુ થયું છે. રાજ્યમાં ૯ નવી મહાનગરપાલિકાઓ અને ૭૨ નગરપાલિકાઓને અપગ્રેડ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.

Most Popular

To Top