પરીક્ષા ત્રણ તબક્કામાં લેવાશે, સવારે 10 વાગે પરીક્ષા શરૂ થશે જે સાંજે 5 વાગે પૂરી થશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે 29 માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ લેવાશે. રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના કુલ સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે વડોદરમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ મળી કુલ 9284 વિદ્યાર્થીઓ ગુજકેટ આપશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ 29 માર્ચે લેવાશે. જે પૂર્વે ગત 17 માર્ચે હોલ ટિકિટ અપલોડ કરવામાં આવી હતી. આ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવાશે. જેમાં સવારે 10 વાગે પરીક્ષા શરૂ થશે જે સાંજે 5 વાગે પૂરી થશે. વર્ષ 2017થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. જેના પગલે વર્ષ 2026માં રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી તેમજ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસમાં પ્રવેશ માટે સાયન્સ ગ્રુપના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 29 માર્ચે લેવાશે. વડોદરામાં 46 બિલ્ડીંગમાં 466 બ્લોકમાં પરીક્ષા યોજાશે. આ વખતે ગુજરાતી માધ્યમમાં 2656, હિન્દી માધ્યમમાં 54 અને અંગ્રેજી માધ્યમમાં 6574 એમ કુલ મળી 9284 વિદ્યાર્થીઓ ગુજકેટ આપશે. જેમાં 5058 વિદ્યાર્થી અને 4226 વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે. ગ્રુપ A માં 5162, ગ્રુપ B માં 4072 અને ગ્રુપ ABમાં 50 વિદ્યાર્થી પરીક્ષા આપશે. વડોદરા સહિત રાજ્યમાં અંદાજે સવા લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. ગુજકેટ માટેની માહિતી પુસ્તિકા ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ભૌતિક વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો તેમજ રસાયણ વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો એમ કુલ 80 ગુણના 80 પ્રશ્નો માટે 120 મિનિટનો સમય, જ્યારે જીવ વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો માટે 60 મિનિટનો સમય તેમજ ગણિત વિષયના 40 ગુણના 40 પ્રશ્નો માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે.