પેટ્રોલ અને ગેસ સીલીન્ડર લેવા લાંબી લાઈન લાગે છે એજ બતાવે છે કે ઈરાન પરના યુદ્ધ ભયંકર અસરોની શક્યતા અંગે સૌનાં મનમાં ચિંતા અને આશંકા છે. યુદ્ધ અત્યારે એવા તબક્કામાં છે કે એનો અંત ટૂંક સમયમાં આવે એની શક્યતા દેખાઈ નથી રહી. યુદ્ધનું મુખ્ય પાત્ર એવા ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં જે ઝડપથી નિવેદનો બદલે છે, એટલે એ નક્કી કરવું અઘરું થઇ ગયું છે કે એ ક્યારે સાચું બોલી રહ્યા છે અને ક્યારે મનઘડન વાતો કરી રહ્યા છે કોઈ પણ પ્રકારના લાંબા વિચાર કર્યા વગર ઈઝરાઈલી પ્રમુખ નેતન્યાહુનાં કહેવાથી યુદ્ધ તો માંડી દીધું પણ નથી યુદ્ધ પાછળના કોઈ હેતુની સ્પષ્ટતા, નથી વ્યૂહરચનાની સ્પષ્ટતા કે નથી ઈરાનની તાકાત અંગેની સ્પષ્ટતા! કોઈ જ લાંબા આયોજન વગર વિશ્વના ત્રણ પરમાણુ શક્તિ ધરાવતા દેશો જંગે મેદાનમાં છે. ઈઝરાઈલ અને ઈરાને એકબીજાના પરમાણુ મથકો પર મિસાઈલ હુમલા કર્યા. સારું છે કે હજુ સુધી કોઈ રેડિયોએક્ટીવ પદાર્થના ગળતરનાં સમાચાર નથી, પણ ખતરો ગંભીર છે.
ઈરાન સ્વબચાવમાં મરણિયું થઈને લડી રહ્યું છે. યુદ્ધમાં સૌથી મોટું નુકસાન તો એને જ થઇ રહ્યું છે. હજારોની સંખ્યામાં સૈનિકો અને નાગરિકનાં જાન-માલની ખુવારી થઇ ચુકી છે. ભારે હુમલાઓ છતાં ઈરાન હજી સુધી નથી ઝૂક્યું છે કે નથી હાર્યું. યુદ્ધ આવી જ પડ્યું છે તો હવે છેલ્લી ઘડી સુધી લડી લેવાનો અભિગમ દેખાઈ રહ્યો છે. અમેરિકાની શરતો પર યુદ્ધ રોકવાની દરખાસ્ત નકારી અને સામે પોતાની શરતો મૂકીને એ વર્તમાન જીઓ-પોલીટીક્સને જુદી દિશામાં લઇ જઈ રહ્યું છે, જેની અમેરિકાની ‘સર્વ શક્તિમાન’ હોવાની છબી પર અસર પડવાની શક્યતા છે.
ઈરાને પોતાની ભૌગોલીક તાકાતનો વ્યુહાત્મક ઉપયોગ કરીને વૈશ્વિક તેલના વેપાર પર જે અસર ઊભી કરી છે, એનાથી અમેરિકી અર્થતંત્ર પર એક નહીં, પણ ત્રણ અસર થઇ છે. એક, ખનીજ તેલના વધતા ભાવની અસરે ફુગાવો વધી રહ્યો છે. ગેસ અને પેટ્રોલના ભાવ એક જ મહિનામાં લગભગ દસ ટકા વધી ગયા છે. સામાન્ય માણસની ખરીદ શક્તિ ઝડપથી નીચે આવી રહી છે. આયાતી ચીજ વસ્તુ પર ટેરિફ નાખ્યા બાદ જે ભાવ વધારો શરૂ થયો હતો એ પડતા પર પાટું મારવા જેવી પરિસ્થિતિ છે.
બીજી અસર ટ્રેસરી બોન્ડના બજાર પર થયેલી અસર છે, જે ફુગાવાના ડર સાથે સીધી સંકળાયેલી છે. યુદ્ધમાં સીધી રીતે સંડોવાયેલી સરકારની આર્થિક હાલત હંમેશા ખરાબ જ હોય કારણ કે એનો મોટો ખર્ચ બિનઉપજાઉ અને વિનાશક હોય. બજાર આ વાત બરાબર સમજે છે એટલે નબળી સરકારના બોન્ડની ખરીદી ઓછી અને વેચાણ વધી જાય છે. પરિણામે એની કિમત બજારમાં ઘટે અને એનું યીલ્ડ (બોન્ડ પરનું વળતર) વધે. લોકો માર્કેટમાં ફરતા જૂના બોન્ડ ખરીદવા તરફ વળે. પરિણામે નવા બોન્ડને આકર્ષક બનાવવા લોકો સરકાર પાસે ઊંચા વ્યાજ દરની અપેક્ષા રાખે. હાલમાં, છેલ્લા એક મહિનામાં બોન્ડ યીલ્ડમાં નોંધપાત્ર વધારો થયો છે, જે બતાવે છે કે સરકારી બોન્ડનું મૂલ્ય ઘટી રહ્યું છે. જો આને કારણે વ્યાજ દરમાં વધારો કરવો પડ્યો તો અમેરિકી સરકારનું દેવું હદ બહાર વધી જાય. જે અર્થતંત્ર માટે આત્મઘાતી સાબિત થાય.
ત્રીજુ, ઈરાને દરખાસ્ત કરી છે કે જે દેશ તેલની ખરીદીની ચુકવણી ચીની ચલણ યુઆનમાં કરશે એને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવા દેશે. જો, આ વ્યૂહરચના કામ કરી ગઈ અને જો વિશ્વના દેશો ધીમે ધીમે ડૉલર સિવાયના ચલણ તરફ વળ્યા તો ભવિષ્યનું જીયો-પોલીટીકલ દૃશ્ય ખૂબ અલગ હશે. અમેરિકાની આર્થિક તાકાતનો એક મુખ્ય પાયો પેટ્રો-ડૉલર છે. કારણ કે વિશ્વના દેશોને પેટ્રોલ ખરીદવા માટે અમેરિકી ડૉલરમાં ચુકવણી કરવી પડે છે જેને કારણે અમેરિકી ડૉલરની માંગ ઊંચી રહેવાને કારણે ડૉલરની કિમત ઊંચી રહે છે. હાલમાં, અમેરિકાનો આંતરરાષ્ટ્રીય વેપાર ખાધમાં હોવા છતાં અમેરિકી ડૉલર મજબૂત હોવા પાછળનું આ જ મુખ્ય કારણ છે. ઈરાને આ પાયા પર ઘા કર્યો છે, જે ભવિષ્યમાં સત્તાના કેન્દ્ર બદલવાનું નિમિત્ત બની શકે છે.
જે યુદ્ધ પાંચ દિવસમાં પૂરું થઇ જશે એવી અતાર્કિક ધારણા સાથે શરૂ થયું, એ જેમ જેમ લંબાઈ રહ્યું છે એમ એમ અમેરિકાની પોતાનાં અર્થતંત્ર પર ગંભીર અસર થઇ રહી છે. એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પના પાયા વિહોણા નિવેદનો આવે છે. જેમ ૨૩ માર્ચે સોમવારે સવારે એમણે અચાનક જાહેર કર્યું કે પાંચ દિવસ યુદ્ધ અટકાવીશું કારણ કે યુદ્ધ પૂરું કરવા અંગે વાટાઘાટો કરવા ઈરાને એમનો સંપર્ક કર્યો છે! કદાચ એમને એવી આશા હોય કે એમના નિવેદનની બોન્ડ બજાર પર અસર થાય અને બોન્ડના ભાવ થોડા ઉંચકાય, પણ તરત જ ઈરાને ટ્રમ્પનાં દાવાને રદિયો આપતું નિવેદન આપ્યું કે આવી કોઈ વાતચીત ચાલી નથી રહી. પોતાની શરતો અંગે ચર્ચા કરવા અત્યારે તો ઈરાન મજબૂત છે અને સામે ડોનાલ્ડ ટ્રમ્પની હાલત ‘માં મને કોઠીમાંથી બહાર કાઢ’ જેવી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે