ગોત્રી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપાયો, રેલવે દ્વારા વળતર અને પરિવારના સભ્યને નોકરી આપવાની ખાતરી




(પ્રતિનિધિ), વડોદરા. તા.26
વડોદરા :- શહેરના કરચીયા યાર્ડમાં ફરજ બજાવતા એક યુવાન રેલવે કર્મચારીનું વીજ કરંટ લાગ્યા બાદ સારવાર દરમિયાન મોત નિપજતા રેલવે વિભાગ અને મૃતકના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. ગત શનિવારે બનેલી આ દુખદ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા કર્મચારીએ બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા. આજે ગોત્રી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી મૃતદેહ પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વડોદરાના કરચીયા યાર્ડમાં રેલવેમાં ખાલાસી તરીકે ફરજ બજાવતા ગૌતમ સોલંકી ગત શનિવારે રાત્રે પોતાની નિયમિત ફરજ પર હતા. તેઓ યાર્ડમાં ઉભેલા એક ટેન્ક વેગન પર ચઢીને સમારકામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઈનનો જોરદાર કરંટ લાગતા તેઓ ફંગોળાઈને વેગન પરથી નીચે પટકાયા હતા. ઘટનાને પગલે સ્થળ પર હાજર અન્ય કર્મચારીઓએ તાત્કાલિક ગૌતમભાઈને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પાંચ દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે જંગ ખેલ્યા બાદ, ગતરોજ બુધવારે સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું. આજે ગુરુવારે ગૌતમ સોલંકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ સમયે હોસ્પિટલ પરિસરમાં ભારે ગમગીની જોવા મળી હતી. RPF ના PI સંજય યાદવ, રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો તેમજ સાથી કર્મચારીઓ હાજર રહ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. રેલવે તંત્ર દ્વારા આ મામલે સત્તાવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકના પરિવારને એક્સ-ગ્રેસિયા તરીકે વળતરની રકમ ચૂકવવામાં આવશે. પરિવારના એક સભ્યને નિયમ મુજબ રેલવેમાં રહેમરાહે નોકરી આપવામાં આવશે. રેલવેના અધિકારીઓએ પરિવારને સાંત્વના પાઠવી હતી અને વહેલી તકે તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી. એક આશાસ્પદ યુવાન કર્મચારીના આકસ્મિક નિધનથી રેલવે વસાહતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.