ભારતીય સમાજમાં દાયકાઓથી એક માન્યતા રહી છે કે બાળકનો ઉછેર એ માતાની જવાબદારી છે અને કમાણી કરવી એ પિતાની. હવે, ૨૧મી સદીનું ભારત આ જૂની પરંપરાઓને તોડી રહ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણીઓએ એક મહત્ત્વની ચર્ચા છેડી છે- શું હવે સમય આવી ગયો છે કે ભારત ‘પિતૃત્વ રજા’ (પેટર્નિટી લીવ)ને કાનૂની અધિકાર બનાવે? માત્ર માતાને જ રજા આપવી એ પરોક્ષ રીતે એવું સ્વીકારી લેવા જેવું છે કે ઘરકામ અને બાળઉછેર માત્ર સ્ત્રીનાં જ કામ છે.
ભારતમાં ‘માતૃત્વ લાભ અધિનિયમ’ હેઠળ મહિલાઓને ૨૬ અઠવાડિયાંની સવેતન રજા મળે છે પરંતુ પિતૃત્વ રજા માટે કોઈ કેન્દ્રીય કાયદો નથી. જો કે કેન્દ્રીય સરકારી કર્મચારીઓને ૧૫ દિવસની પિતૃત્વ રજા મળે છે. ખાનગી કંપનીઓમાં આ સંપૂર્ણપણે કંપનીની પોલિસી પર નિર્ભર છે. ઘણી મોટી ટેક કંપનીઓ (જેમ કે ઝોમેટો કે ગૂગલ) મહિનાઓની પેટર્નિટી લીવ આપે છે પરંતુ નાના ઉદ્યોગોમાં આ કલ્પના હજુ નવી છે.
સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે બાળકની સંભાળ એ માત્ર માતાની નહીં, પિતાની પણ જવાબદારી છે. જો પિતાને રજા નહીં મળે તો માતા પરનો બોજ વધશે જે તેને નોકરી છોડવા મજબૂર કરી શકે છે.
આપણા સમાજમાં પિતાને ‘બ્રેડવિનર’ (કમાનાર) અને માતાને ‘કેરગીવર’ (સંભાળ રાખનાર) તરીકે જોવામાં આવે છે. જ્યારે પિતા પેટર્નિટી લીવ લે છે ત્યારે તે સમાજને સંદેશ આપે છે કે ઘરની જવાબદારી વહેંચવી એ શરમની વાત નથી પણ ગર્વની વાત છે. મનોવૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે જે પિતાઓ બાળકના જન્મના શરૂઆતના દિવસોમાં તેની સાથે સમય વિતાવે છે, તેમનું બાળક સાથેનું જોડાણ વધુ મજબૂત હોય છે અને તે બાળકના માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે.
અર્થશાસ્ત્રમાં ‘મધરહુડ પેનલ્ટી’ એક જાણીતો શબ્દ છે. જ્યારે કોઈ સ્ત્રી માતા બને છે ત્યારે તેની કારકિર્દીની ગતિ ધીમી પડી જાય છે, પગારમાં વધારો અટકી જાય છે અથવા તેને નોકરીમાંથી બ્રેક લેવો પડે છે. જો પેટર્નિટી લીવ ફરજિયાત હોય તો નોકરી આપનાર માટે સ્ત્રી અને પુરુષ બંને સમાન બનશે કારણ કે હવે બાળક આવતા માત્ર સ્ત્રી જ રજા પર નહીં જાય, પુરુષ પણ જશે. આનાથી મહિલાઓ વિરુદ્ધ થતો પક્ષપાત ઘટશે. આ રજા પુરુષોને પણ કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવાની તક આપે છે.
આ મુદ્દાને આપણે નેતૃત્વ અને વ્યાવસાયિક વિકાસના ચશ્માથી જોઈએ તો કેટલીક રસપ્રદ બાબતો સામે આવે છે. પહેલું છે, જે પિતા ઘરે રહીને બાળકની સંભાળ રાખે છે, તે વ્યવહારુ જીવનમાં વધુ સંવેદનશીલ બને છે. આ ગુણ તેને ઓફિસમાં એક સારો ‘મેન્ટર’ અને ‘લીડર’ બનાવે છે. તે પોતાની ટીમની અંગત સમસ્યાઓને વધુ સારી રીતે સમજી શકે છે.
અભ્યાસો મુજબ, જે કર્મચારીઓના પારિવારિક સંબંધો સારા હોય છે અને જેમને ઓફિસ તરફથી સપોર્ટ મળે છે, તેમની કામ કરવાની ક્ષમતા વધે છે. પિતૃત્વ રજા આપવાથી કંપની પ્રત્યે કર્મચારીની વફાદારી વધે છે, જેમ ક્રિકેટમાં મેચ જીતવા માટે માત્ર એક ખેલાડી નહીં પણ આખી ટીમની જરૂર હોય છે, તેમ પરિવાર ચલાવવા માટે પણ પિતાએ ‘ઓલરાઉન્ડર’ બનવું પડે છે. પેટર્નિટી લીવ પિતાને એ ‘ટ્રેનિંગ’ આપે છે.
વૈશ્વિક મોડલ પાસેથી આપણે શું શીખી શકીએ? નોર્ડિક દેશો (જેમ કે સ્વીડન, આઈસલેન્ડ અને નોર્વે) આ બાબતમાં વિશ્વમાં મોખરે છે. સ્વીડનમાં માતા-પિતા બંનેને મળીને ૪૮૦ દિવસની રજા મળે છે, જેમાંથી ૯૦ દિવસ પિતાએ લેવા જ પડે છે. આનાથી ત્યાં જેન્ડર ગેપ ઘણો ઓછો થયો છે. ભારત માટે પાઠ એ છે કે, ભારત અત્યારે સ્વીડન જેવું લાંબું વેકેશન ન આપી શકે પણ શરૂઆત તરીકે ૧ થી ૨ મહિનાની ફરજિયાત પેટર્નિટી લીવની જોગવાઈ કરી શકે છે.
જો કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. પેટર્નિટી લીવ સામે કેટલાક પડકારો પણ છે. જેમ કે, આર્થિક બોજ. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે કર્મચારીને મહિનાઓ સુધી પગાર સાથે રજા આપવી આર્થિક રીતે મુશ્કેલ બની શકે છે. ઉપરાંત, હજુ પણ ઘણા પુરુષો પિતૃત્વ રજા લેતા ડરે છે કે રખેને લોકો તેમને ‘બાયલા’ ગણે અથવા ઓફિસમાં તેમનું પ્રમોશન અટકી જાય.
ભારત જ્યારે ‘વિકસિત ભારત 2047’નું લક્ષ્ય રાખે છે ત્યારે આપણે આપણા સામાજિક માળખાને પણ આધુનિક બનાવવું પડશે. પેટર્નિટી લીવ એ માત્ર પિતાને મળતી રજા નથી પણ તે માતાને મળતો ટેકો છે, બાળકને મળતો પ્રેમ છે અને દેશના અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાની એક ચાવી છે. સરકારે હવે વિલંબ કર્યા વગર એક એવો કાયદો લાવવો જોઈએ જે ખાનગી અને સરકારી બંને ક્ષેત્રોમાં પિતૃત્વ રજાને માન્યતા આપે. જ્યારે ભારતીય પિતા ગર્વથી કહેશે કે, હું મારા બાળકની સંભાળ રાખવા માટે રજા પર છું, ત્યારે સમજવું કે આપણે સાચા અર્થમાં લિંગ સમાનતા હાંસલ કરી છે.•