ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓને લઈને ગભરાટનો માહોલ સર્જાયો હતો અને અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી હતી. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની ગભરાટ કે ભીડ કરવાની જરૂર નથી. સરકાર, Indian Oil Corporation (IOCL) અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરીને જણાવાયું છે કે સપ્લાય સંપૂર્ણ રીતે સ્થિર છે અને કોઈ અછત નથી. પેટ્રોલપંપ પર વધતી જતી કતારોને જોઈને પોલીસે મેદાનમાં આવવું પડ્યું હતું. પોલીસે પેટ્રોલ પંપ પર જઈ ઘોષણા કરતા દેખાયા હતા અને અપીલ કરતા દેખાયા હતા કે કોઈએ પણ પેનિક થવાની જરૂર નથી. લાંબી કતારો ન લગાવો, પેટ્રોલ અને ડીઝલ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ઘ છે, કોઈએ પણ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી નહીં, ફોર્વડેડ મેસેજ આગળ પહોંચાડવા નહીં, આ માત્ર અફવા છે, અને એના પર ધ્યાન ના આપો. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી એ પણ લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે રજ્યમાં ક્યાંય પણ પેટ્રોલ-ડીઝલની કમી નથી અને સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. સાથે જ તેમણે ચેતવણી આપી કે કોઈ પણ વ્યક્તિ અથવા તત્વ દ્વારા અફવા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બીજી બાજુ રાજય સરકારે વધુમાં જણાવ્યું છે કે જો કોઈ પેટ્રોલ પંપ સંચાલક પૂરતો જથ્થો હોવા છતાં જાણીજોઈને પંપ બંધ રાખે છે અથવા લોકોમાં ગેરસમજ ફેલાવે છે, તો તેની સામે પણ સખત પગલાં લેવામાં આવશે. IOCLના અધિકારીઓએ ખાતરી આપી છે કે રાજ્યના તમામ ડેપો અને ટર્મિનલ્સમાં પૂરતી ઇન્વેન્ટરી ઉપલબ્ધ છે અને માંગ મુજબ પુરવઠો ચાલુ છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પણ જણાવ્યું છે કે સપ્લાયના કલાકોમાં વધારો કરવામાં આવ્યો છે જેથી કોઈ જગ્યાએ અછતનો પ્રશ્ન ઊભો ન થાય. રાજ્ય સરકારે ફરી એકવાર નાગરિકોને વિશ્વાસ અપાવ્યો છે કે સપ્લાય ચેઇનમાં જો કોઈ નાની ખામી હોય તો તેને ઝડપથી દૂર કરવામાં આવી રહી છે અને સમગ્ર ગુજરાતમાં ઇંધણનો પુરવઠો નિયમિત રીતે જળવાઈ રહેશે. આ દરમિયાન, ગઈકાલે લોકસભામાં સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં તણાવને કારણે ક્રૂડ ઓઇલ સપ્લાય પર અસર પડી શકે છે, પરંતુ ભારત આ સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે દેશમાં 53 લાખ મેટ્રિક ટનનું પેટ્રોલિયમ રિઝર્વ ઉપલબ્ધ છે અને ઓઇલ કંપનીઓ પાસે અલગથી સ્ટોક છે, જેથી પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય જળવાઈ રહેશે. સાથે જ તેમણે ઉમેર્યું કે ભારત LPGના ઉત્પાદનને વધારવા દિશામાં પણ પગલાં લઈ રહ્યું છે.