Kalol

કાલોલ તાલુકા સુરેલી ગામમાં RTIથી ચકચાર: પંચાયતના કામકાજ પર ઉઠ્યા સવાલો

2016થી આજદિન સુધીની યોજનાઓ અને ખર્ચની વિગત માંગતા ભ્રષ્ટાચારની ચર્ચા તેજ
‘વ્હાલા-દવલા’ની નીતિના આક્ષેપો, સરપંચ સામે પક્ષપાતના આરોપો

કાલોલ:
કાલોલ તાલુકાના સુરેલી ગામમાં એક જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ ગ્રામ પંચાયતની વિસ્તૃત માહિતી માંગવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ગામમાં વિકાસ કામો અને વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ચર્ચાઓ વચ્ચે આ માંગણીએ મુદ્દાને વધુ ગંભીર બનાવ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરેલી ગામના પ્રવીણકુમાર દિલીપસિંહ પટેલ દ્વારા તલાટી કમ મંત્રી પાસે RTI હેઠળ કુલ 15 મુદ્દાઓ અંગે માહિતી માંગવામાં આવી છે. જેમાં વર્ષ 2016થી આજદિન સુધી આયોજન પંચ, નાણાપંચ, મનરેગા યોજના, ધારાસભ્ય અને સંસદ સભ્યની ગ્રાન્ટ તેમજ લોકફાળાની તમામ વિગતોનો સમાવેશ થાય છે.
અરજદારે વિવિધ વિકાસ કામોના પ્લાન્ટ એસ્ટીમેટ, વર્ક ઓર્ડર, મસ્ટર રોલ, એમઓયુ તથા કામ કરનાર એજન્સી અને કોન્ટ્રાક્ટરના નામ-સરનામાં સાથે ચુકવણીના ચેક નંબર અને બિલની વિગતો પણ માંગવામાં આવી છે. ઉપરાંત, આવાસ યોજના અને શૌચાલય યોજનાના લાભાર્થીઓની યાદી તથા પેપર બ્લોક સહિતના કામોની સંપૂર્ણ માહિતી માંગવામાં આવી છે.
તે ઉપરાંત, 2016થી અત્યાર સુધી ગ્રામસભા અને પંચાયત બેઠકમાં હાજર રહેલા અધિકારીઓની હાજરી રજીસ્ટરની નકલ, કુદરતી આફતમાં આપવામાં આવેલા લાભોની વિગતો, તેમજ ગ્રામ પંચાયત સામે થયેલી ફરિયાદોની નકલ પણ માંગવામાં આવી છે.
RTI અરજીમાં દબાણ દૂર કરવાની કામગીરી અંગે પણ માહિતી માંગવામાં આવી છે, જેમાં દબાણદારોને આપવામાં આવેલી નોટિસ તથા કરવામાં આવેલી કાર્યવાહીનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, ગ્રામ પંચાયત સત્તાધીશો પર ‘વ્હાલા-દવલા’ની નીતિ અપનાવી કામગીરી કરવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સરપંચ દ્વારા પોતે તેમજ તેમના નજીકના લોકો દ્વારા કરાયેલા દબાણો દૂર ન કરવામાં આવતા, જ્યારે વિરોધી પક્ષના લોકો સામે કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે.
આ સમગ્ર મામલે RTIના આધારે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે ગામમાં રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનો માહોલ ગરમાયો છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top