પાણીગેટ અને દાંડિયાબજાર ફાયર સ્ટેશનના જવાનોએ બાજી સંભાળી લીધી :
શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું :
( પ્રતિનિધિ )વડોદરા,તા.19
વડોદરાના માંડવી પાસે આવેલી શાહ હસ્તીમલ આયદાનજી ટ્રેડિશનલ ડ્રેશ મટીરીયલ રેડીમેડ ડ્રેસીસની દુકાનના બીજા માળે ભીષણ આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, પાણીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. આ મકાનમાં નીચે દુકાન અને ઉપર ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય લાખો રૂપિયાના નુકસાનની શકયતા વ્યક્ત કરવામાં આવી હતી.

વડોદરા શહેરમાં ગરમીના પ્રારંભે શરૂ થયેલો આગ લાગવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં માંડવી નજીક આવેલી ગાયકવાડ શાસનકાળ દરમિયાનની લાકડાની બે મજલી દુકાનના બીજા માટે આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

જોકે એમજી રોડ એટલે એક મોટું બજાર હોય આગની આ ઘટનાથી વિવિધ સર સામાનની દુકાન ધરાવતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ કરવામાં આવતા પાણીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અડધો કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

સબ ફાયર ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે, આગને સંપૂર્ણ કાબુમાં લઈ લીધી હતી લાકડાનું મકાન હતું, એટલે આગ વિકરાળ બની હતી. દાંડિયા બજાર અને પાણીગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ આવી ગયો હતો, સાથે પોલીસ પણ આવી પહોંચી હતી અને એમજી રોડ પર લોકોની અવરજવર બંધ કરી આગ પર કાબુ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

આશરે અડધો કલાકની જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. અમે આવ્યા ત્યારે આખા મકાનમાં ધુમાડો પ્રસરી ગયો હતો. કોઈ હાજર નહીં હોવાથી જાનહાની થતા ટળી છે. જોકે, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. સદનસીબે કોઈ હાજર નહીં હોવાથી જાનહાની થતા ટળી હતી. જોકે આ મકાનની નીચે દુકાન અને ઉપર એને ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય આગની લપેટમાં કપડાનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. જેના કારણે 60 લાખ થી એક કરોડ રૂપિયા સુધીનું નુકસાન થયું હોવાની શકયતા મકાન માલિક દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.