Vadodara

સમા ચેતક બ્રિજ પર ગેસ લાઈનમાં લીકેજથી ભીષણ આગ,તંત્રમાં દોડધામ

કચરો સળગાવવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન

બંને બાજુથી ગેસના વાલ્વ બંધ કર્યા બાદ આગ પર કાબુ મેળવાયો

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

વડોદરા શહેરના સમા ચેતક બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી ગેસની લાઈનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. રોડ પરથી આગની જ્વાળાઓ નીકળી હતી. બનાવને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટન સ્થળે દોડી આવી હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો.

વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભે શરૂ થયેલો આગ લાગવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ગેસ પાઈપ લાઈનમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર શહેરના સમા ચેતક બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી ગેસની પાઇપલાઇનમાં આગ લાગી હતી. બ્રિજ પરથી ઉંચે સુધી આગની જ્વાળાઓ નીકળી હતી. આસપાસના લોકોમાં આગના દ્રશ્યો જોઈ ભારે ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ કરવામાં આવતા પ્રથમ તાબડતોડ ઘટના સ્થળે ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ કર્યા હતા. બાદમાં ગેસ વિભાગની ટીમો પણ સ્થળ પર દોડી આવી હતી અને બંને બાજુથી વાલ્વ બંધ કરી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. વડોદરા ગેસ લિમિટેડ ના અધિકારી વિપુલ રાજપૂતે જણાવ્યું હતું કે, અહીં જોતા લાગી રહ્યું છે કે બાજુમાં જ કોઈએ કચરો સળગાવ્યો હતો અને આ જગ્યા પર એરટેલ વાળાએ એક ચેમ્બર બનાવેલી છે અને એમાં આપણી લાઈન એક્સપોઝ કરી દીધી છે. જેના કારણે કચરાની આગ સળગતી સળગતી આગળ આવી ગઈ હતી. અને એના કારણે બીજી પાઇપ સળગી છે. જેથી આ આગ લાગી હતી. બંને સાઈડના વાલ બંધ કરીએ ત્યારે જ ગેસ બંધ થાય એટલે બંને જગ્યા પરથી પહેલાં વાલ બંધ કર્યા પછી જ આગ ઓલવાઈ ગઈ છે આ ઘટના કચરો સળગાવવાના કારણે જ બની છે. જોકે આગની ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બ્રિજ પર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી જ્યારે લોકોના ઘરોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.

Most Popular

To Top