Jetpur pavi

ઓવરલોડ તુફાન ગાડીઓ પર પોલીસની લાલ આંખ: જેતપુર પાવીમાં 3 વાહનો ડિટેન

ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરતા કાર્યવાહી, આરટીઓ મેમો ફટકારાયો
તાપમાં અટવાયા શ્રમિકો, મહિલાઓ-બાળકોને હાલાકી

જેતપુર પાવી |
ઓવરલોડ મુસાફરો સાથે દોડતી તુફાન ગાડીઓ સામે જેતપુર પાવી પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મધ્ય પ્રદેશથી ગુજરાતમાં મજૂરી માટે આવેલા શ્રમિકો પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રણ ક્રુઝર તુફાન ગાડીઓમાં ક્ષમતા કરતાં ઘણાં વધુ મુસાફરો ભરી દેવાયા હોવાનું સામે આવ્યું હતું.
આ ગાડીઓમાં મુસાફરો ખીચોખીચ ભરાયેલા હતા અને જોખમી રીતે સામાન પણ લાદવામાં આવ્યો હતો, જેના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. મામલો ગંભીર જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરટીઓ મેમો ફટકારી ત્રણેય ગાડીઓને ડિટેન કરી લીધી હતી.
માહિતી મુજબ, વધુ નફો કમાવાની લાલચમાં કેટલાક વાહનચાલકો મુસાફરોના જીવ સાથે રમતા હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ કાર્યવાહી બાદ ગાડીઓમાં રહેલા મુસાફરો—ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકો—ને કલાકો સુધી તાપમાં ઉભા રહેવું પડ્યું હતું, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે આવી ઓવરલોડ ગાડીઓ સામે નિયમિત અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના અટકાવી શકાય.

રિપોર્ટર: આરીફ ખત્રી

Most Popular

To Top