વડોદરામાં 19 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે 4.75 લાખ ઉત્તરવહીઓ ચકાસાશે
નક્કી કરાયેલા દરેક કેન્દ્ર ખાતે 125 જેટલા શિક્ષકોને આન્સર સીટ ચકાસવાનો ટાર્ગેટ

( પ્રતિનિધિ )વડોદરા,તા.18
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. આજે ધોરણ 10નું છેલ્લું પેપર છે. ત્યારે હવે ગુરુવારથી ઉત્તરવહી તપાસવાની કામગીરી શરૂ થશે. વડોદરા શહેરમાં ધોરણ 10 ના 11 અને ધોરણ 12 ના 8 મળી કુલ 19 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 2000 જેટલા શિક્ષકો ઉત્તરવહી ચકાસણી કરશે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આજે ધોરણ 10નું છેલ્લું પેપર, જે બાદ વિદ્યાર્થીઓ તણાવ મુક્ત થશે. ત્યારે હવે પરીક્ષાઓ પૂરી થયા બાદ વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણી કરવામાં આવશે. વડોદરામાં ધોરણ 10 માટે 11 મૂલ્યાંકન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યારે ધોરણ 12 ના 8 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. કુલ મળીને 19 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર ઉત્તરવહી ચકાસણી કરવામાં આવશે. મૂલ્યાંકન કેન્દ્રો પર 100 થી 125 જેટલા શિક્ષકો ઉત્તરવહી ચકાસણી કરશે. શહેરના 19 મૂલ્યાંકન કેન્દ્રો પર 2 હજાર જેટલા શિક્ષકો આ કામગીરી હાથ ધરશે. તમામ કામગીરી સીસીટીવી સર્વેન્સ હેઠળ હાથ ધરાશે. સતત આઠ કલાક સુધી ઉત્તરવહી ચકાસણીની કામગીરી કરવાની રહેશે. દરેક કેન્દ્ર પર 25 હજાર જેટલી ઉત્તરવહી બોર્ડ દ્વારા મોકલવામાં આવશે. બોર્ડ દ્વારા દસ દિવસના સમયગાળામાં મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે. વડોદરામાં 19 મૂલ્યાંકન કેન્દ્ર પર અંદાજિત 4,75,000 જેટલી ઉત્તરવહી ચકાસણી હાથ ધરવામાં આવશે.