National

ભારત વિરુદ્ધ ગૂઢ કાવતરું, વિદેશી નાગરિકોની ધરપકડથી ચોંકાવનારા ખુલાસા

ભારતમાં આતંકવાદી કાવતરાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરતાં National Investigation Agency (NIA)એ સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં છ યુક્રેનિયન અને એક અમેરિકન નાગરિકનો સમાવેશ થાય છે. આ તમામ શંકાસ્પદોને દિલ્હી, લખનઊ અને કોલકાતા એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મામલાની ગંભીરતા અંગે Lalduhomaએ મિઝોરમ વિધાનસભામાં મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, અમેરિકા અને બ્રિટન સહિતના વિદેશી નાગરિકો મિઝોરમ મારફતે મ્યાનમાર જતાં હતાં અને તેઓ આતંકી તત્વોને શસ્ત્ર તાલીમ આપવા સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. કેટલાક આરોપીઓ અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ સંકળાયેલા હોવાના સંકેતો મળ્યા છે.

NIAની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ યુરોપમાંથી ડ્રોનનો મોટો જથ્થો મંગાવી મ્યાનમારના બળવાખોર જૂથોને સપ્લાય કરી રહ્યા હતા, જેમને ભારતીય આતંકી સંગઠનોનું સમર્થન હોવાનું માનવામાં આવે છે. તેઓ માન્ય વિઝા પર ભારતમાં પ્રવેશ્યા હતા, પરંતુ મિઝોરમ જેવા સંવેદનશીલ વિસ્તારો માટે જરૂરી ‘Restricted Area Permit (RAP)’ મેળવ્યું નહોતું. તપાસમાં એ પણ ખુલ્યું છે કે તેઓ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી મ્યાનમારમાં ભારત વિરોધી તત્વો સાથે સંપર્કમાં આવ્યા હતા. આ મામલે Patiala House Courtએ આરોપીઓની કસ્ટડી 27 માર્ચ સુધી લંબાવી છે, જેથી કાવતરાની ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય. NIA હાલ આરોપીઓના મોબાઇલ ડેટા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરી રહી છે, જેથી ભારતમાં છુપાયેલા તેમના અન્ય સાથીદારો સુધી પહોંચવામાં મદદ મળી શકે. આ ઘટનાએ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓને વધુ સતર્ક બનાવી દીધી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા આતંકી નેટવર્ક અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.

Most Popular

To Top