( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા શહેરના છાણી તળાવ વિસ્તારમાં બે નાના બાળકોએ મોપેડ હંકારતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ વાયરલ વીડિયો જોઈને લોકોમાં ચિંતા સાથે વાહન ચલાવનાર બાળકોના વાલીઓ સામે રોષની લાગણી વ્યાપી છે. કારણકે, જો કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠ્યા છે.
વડોદરા શહેરમાં એકતરફ અકસ્માતોની ભરમાર જોવા મળી રહી છે, કેટલાય પરિવારો પોતાના સ્વજનોને અકસ્માતમાં ગુમાવી રહ્યા છે. અકસ્માતોની વણથંભી વણઝાર અટકવાનું નામ લઈ નથી રહી, પોલીસ વિભાગ પણ લોકોને ટ્રાફિક નિયમનનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે, તેમ છતાં આજે પણ કેટલાક ચાલકો બેફામ ગતિએ વાહન હંકારી અકસ્માત સર્જી રહ્યા છે. તેવામાં આજે એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં બાળકોના માતા પિતાની ગંભીર બેદરકારી જોવા મળી છે. શહેરના છાણી તળાવની નજીક આશરે 9 થી 10 વર્ષની વયના બે બાળકો મોપેડ જોખમી રીતે હંકારી રહ્યા છે. ચોંકાવનારી બાબતતો એ છે કે, જે માર્ગ પરથી આ બાળકો મોપેડ ચલાવીને લઈ જઈ રહ્યા છે. ત્યાંજ રોડ પર રખડતા ઢોરો પણ પસાર થઈ રહ્યા છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ ? બાળકોના માતા-પિતાને આની જાણ નથી ? શું વાહનની ચાવી તેમને આપવામાં આવી ? કે જાતેજ લઈને આ બાળકો નીકળી પડ્યા. છાણી તળાવ નજીક રસ્તા પરથી મોપેડ હંકારી જઈ રહેલા બે બાળકોનો વીડિયો કોઈ જાગૃત નાગરિકે ઉતારી વાયરલ કર્યો હતો.