વિશ્વમાં ચાલી રહેલી અસ્થિર પરિસ્થિતિ અને સ્થાનિક સ્તરે સર્જાયેલી ગેસની ગંભીર અછતનો સીધો પ્રભાવ હવે સુરતના સુપ્રસિદ્ધ ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહ્યો છે. સુરતમાં કાપડ ઉદ્યોગનું મોટું કેન્દ્ર ગણાતા પાંડેસરા વિસ્તારમાં અનેક પાવરલૂમ્સ એકમો બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે. ઊર્જા સ્ત્રોતની અછત અને શ્રમિકોની કમીને કારણે ઘણા કારખાનાઓમાં મશીનો બંધ પડી ગયા છે. હોળી અને ધૂળેટીના તહેવારોને કારણે મોટા પ્રમાણમાં શ્રમિકો પોતાના વતન પરત ગયા હતા, પરંતુ તેઓ હજુ સુધી પરત ફર્યા નથી. આ દરમિયાન શહેરમાં ગેસ સપ્લાયમાં ખલેલ પહોંચતા બાકી રહેલા કામદારો પણ વતન તરફ જવા લાગ્યા છે.
પાંડેસરાની સોનલ ઇન્ડસ્ટ્રી-2 વિસ્તારમાં અડધાથી વધુ પાવરલૂમ્સના કારખાનાઓમાં હાલમાં તાળા લાગી ગયા છે. કારખાનેદારો પાસે ઓર્ડર હોવા છતાં કામદારો અને ગેસની અછતને કારણે ઉત્પાદન શરૂ કરી શકાતું નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધને કારણે રો-મટીરિયલના ભાવમાં વધારો થયો છે અને એક્સપોર્ટ ઓર્ડરમાં પણ ઘટાડો નોંધાયો છે. પરિણામે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વિગુણ દબાણનો સામનો કરી રહ્યો છે. ઉદ્યોગકારોના મતે, જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો નાના અને મધ્યમ ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. ગેસની અછતના કારણે ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલો પર પણ અસર પડી છે, જેના કારણે પાવરલૂમ્સ એકમોમાં તૈયાર ગ્રે કાપડનો ભરાવો થઈ રહ્યો છે. બીજી તરફ, શ્રમિકો વતન તરફ જતા હોવાથી આગામી દિવસોમાં કામદારોની અછત વધુ ગંભીર બનવાની શક્યતા છે, જે સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહી છે.