અમદાવાદ: મધ્યપૂર્વ વિસ્તારમાં ઊભી થયેલી ભૂ-રાજકીય પરિસ્થિતિના કારણે ઊર્જા ક્ષેત્ર પર વૈશ્વિક સ્તરે અસર જોવા મળી રહી છે. આવા સમયમાં રાજ્યમાં ઘરેલુ ગેસનો પુરવઠો અવિરત રહે તે માટે સરકાર અને ગેસ કંપનીઓ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લામાં ગેસ સિલિન્ડરની કાળાબજારીનો મોટો પર્દાફાશ થયો છે. શાપર નજીકના પારડી વિસ્તારમાં પોલીસે દરોડો પાડી ગેરકાયદે રીતે ગેસ સિલિન્ડર ભરીને વેચાણ કરતાં બે શખ્સોને ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન સ્થળ પરથી કુલ ૮૭ ગેસ સિલિન્ડર કબ્જે કરવામાં આવ્યા હતા.
પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા ખુલ્યું કે આરોપીઓ ચૂલા મરામતના ધંધાની આડમાં ગેસ સિલિન્ડરની ગેરકાયદે રિફિલિંગ કરી રહ્યા હતા. આ રીતે ભરેલા સિલિન્ડરોને પછી બજારમાં વેચવામાં આવતા હતા, જેના કારણે સુરક્ષાની દૃષ્ટિએ પણ ગંભીર જોખમ ઉભું થતું હતું.પોલીસે કાર્યવાહી દરમિયાન રવિરંજન બિંદ અને રાજીવકુમાર બિંદ નામના બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ મૂળ બિહાર રાજ્યના રહેવાસી છે.
પ્રાથમિક તપાસમાં આ ગેરકાયદે પ્રવૃત્તિમાં કોઈ સ્થાનિક ગેસ એજન્સીના તાર પણ જોડાયેલા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડરની કાળાબજારી અને ગેરકાયદે રિફિલિંગ જેવી પ્રવૃત્તિઓ સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.