કોમર્શિયલ અને ઘરેલું ગેસના બોટલનો જથ્થો કબજે, સંગ્રહખોર સામે કાર્યવાહી
સંગ્રહખોર સાહિલ ભરવાડની ધરપકડ, રામકૃપા એજન્સી સાથે કનેક્શનની તપાસ
વડોદરા : શહેરના એરપોર્ટ રોડ પર મિલન પાર્ટી પ્લોટ પાસે પોલીસ દ્વારા દરોડા દરમ્યાન ગેસના 30 જેટલા બોટલ ઝડપાયા છે. જેમાં કોમર્શિયલ તથા ઘરેલું ગેસ સિલિન્ડરોનો જથ્થો મળી આવ્યો હતો. ગેસના બોટલોનો ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવ્યો હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી કુલ 30 ગેસ સિલિન્ડરો કબજે કરવામાં આવ્યા હતા. જેમાં ઘરેલુ અને કોમર્શિયલ બંને પ્રકારના ગેસના બોટલનો સમાવેશ થાય છે. આ મામલે સાહિલ ભરવાડ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેસ સિલિન્ડરોનો જથ્થો ગેરકાયદે રીતે સંગ્રહ કરવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ અન્ય સ્થળે સપ્લાય કરવા માટે થતો હોવાની શંકા છે. પોલીસ દ્વારા આ મામલે રામકૃપા એજન્સી સાથે કોઈ જોડાણ છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલ પોલીસ દ્વારા કબજે કરાયેલા ગેસ સિલિન્ડરોને સીલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ગેસના ગેરકાયદેસર સંગ્રહ અને સપ્લાયના રેકેટ અંગે પણ તપાસ ચાલી રહી છે.