• પરપ્રાંતીય શ્રમિકની પોલીસમાં નોંધણી ન કરાવતા જાહેરનામાનો ભંગ
• પંચમહાલ SOGની તપાસ દરમિયાન ‘રજવાડી ચા’ દુકાનમાં મામલો બહાર આવ્યો
કાલોલ, તા.14
પંચમહાલ જિલ્લા એસ.ઓ.જી. (Special Operations Group) પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ ખડકી ટોલનાકા પાસે આવેલી એક ચાની દુકાનના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરપ્રાંતીય શ્રમિકને કામે રાખ્યા બાદ તેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ન કરાતા આ પગલું ભરવામાં આવ્યું છે.
માહિતી મુજબ એસ.ઓ.જી. પોલીસનો સ્ટાફ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ખડકી ટોલનાકા નજીક આવેલી ‘રજવાડી ચા’ નામની દુકાન પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાં ગોપાલ તાવિયાડ નામનો પરપ્રાંતીય શ્રમિક કામ કરતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે દુકાનના માલિક પ્રકાશચંદ્ર આદેન પાટીદારની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે શ્રમિકને કામે રાખવા અંગે કોઈપણ પ્રકારની માહિતી અથવા નોંધણી વેજલપુર પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવી નહોતી. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ, કોઈપણ પરપ્રાંતીય વ્યક્તિને કામે રાખતા પહેલા તેની વિગતો સ્થાનિક પોલીસ મથકે આપવી ફરજિયાત હોય છે.
આથી જાહેરનામાનો ભંગ કરવા બદલ એસ.ઓ.જી. પોલીસે દુકાનદાર પ્રકાશચંદ્ર પાટીદાર વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તંત્ર દ્વારા વેપારીઓ અને મકાનમાલિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પરપ્રાંતીય શ્રમિકો અથવા ભાડુઆતો રાખતી વખતે તેમની ઓળખ સંબંધિત પુરાવા સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવે, અન્યથા કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા