World

ઈરાનની ઓઈલ નસ પર અમેરિકાની નજર

ખરગ આઇલેન્ડ કેમ છે તેહરાનનું ‘ક્રાઉન જ્વેલ

ઈરાન અને અમેરિકાની વચ્ચે વધતા તણાવ ને કારણે ખરગ આઇલેન્ડ ફરી વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. અમેરિકાએ આ આઇલેન્ડ પર સૈન્ય નિશાનાઓને ટાર્ગેટ કર્યા હોવાનો દાવો કર્યો છે, જોકે અહીં આવેલી ઊર્જા સુવિધાઓને સીધો નુકસાન પહોંચાડવામાં આવ્યો નથી. છતાં આ હુમલાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે કે આખરે ખરગ આઇલેન્ડ ઈરાન માટે એટલું મહત્વનું કેમ છે?

ખરગ આઇલેન્ડ ઈરાનના દરિયાકાંઠાથી આશરે 26 કિમી દૂર આવેલું છે અને તે દેશના ઓઈલ એક્સપોર્ટ નેટવર્કનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે. જાણકારો અનુસાર, ઈરાનના કુલ ક્રૂડ ઓઈલ નિકાસમાંથી લગભગ 90 ટકા હિસ્સો આ જ ટર્મિનલ મારફતે બહાર જાય છે. એટલે કે ખરગ આઇલેન્ડ પર કોઈ મોટી અસર થાય તો ઈરાનની અર્થવ્યવસ્થા પર તેનો સીધો અને ગંભીર ફટકો પડી શકે છે

આ આઇલેન્ડ માત્ર ઓઈલ લોડિંગ પોઈન્ટ નથી, પરંતુ તે ઈરાનના મોટા ઓફશોર ઓઈલ ફીલ્ડ્સ સાથે પણ સીધો જોડાયેલો છે. અબૂઝર, ફોરૂઝાન અને દોરૂદ જેવા મોટા ક્ષેત્રોમાંથી ક્રૂડ ઓઈલ અંડરસી પાઈપલાઈન દ્વારા અહીં પહોંચે છે. ત્યારબાદ અહીં તેની પ્રોસેસિંગ, સ્ટોરેજ અને પછી આંતરરાષ્ટ્રીય બજારોમાં શિપમેન્ટ કરવામાં આવે છે. આ કારણે ખરગ આઇલેન્ડ ઈરાનના સમગ્ર પેટ્રોલિયમ નેટવર્કનું હાર્ટ ગણાય છે

ખરગ પર વિશાળ સ્ટોરેજ ક્ષમતા પણ છે. અહેવાલો અનુસાર, છેલ્લા વર્ષોમાં ઈરાને અહીં લાખો બેરલ વધારાની સંગ્રહ ક્ષમતા ઉભી કરી છે. સાથે જ અહીં પેટ્રોકેમિકલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ સંબંધિત સુવિધાઓ પણ આવેલી છે. એટલે આ સ્થળ માત્ર ક્રૂડ નિકાસ માટે નહીં, પરંતુ ઊર્જા ક્ષેત્રની વ્યાપક કામગીરી માટે પણ અત્યંત અગત્યનું છે

વિશ્વના એનર્જી એક્સપર્ટ્સ માને છે કે જો ખરગ આઇલેન્ડની ઊર્જા સુવિધાઓને સીધો નિશાન બનાવવામાં આવે, તો તેના પરિણામે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. એટલું જ નહીં, ઈરાન તરફથી હોર્મુઝ જળસંધિ અથવા અન્ય પ્રાદેશિક ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જવાબી કાર્યવાહીનો ખતરો પણ વધી શકે છે

સરળ ભાષામાં કહીએ તો, ખરગ આઇલેન્ડ ઈરાનની ઓઈલ અર્થવ્યવસ્થાની જીવદોરી છે. તેથી જ તેને ઈરાનનું ‘ક્રાઉન જ્વેલ’ કહેવામાં આવે છે

Most Popular

To Top