• માટે ખુશખબર, બંધ રહેલી રેલવે લાઈન ફરી કાર્યરત
• મિયાગામ કરજણ અને ડભોઈ ખાતે ઉદ્ઘાટન સમારોહમાં જનપ્રતિનિધિઓ આપશે લીલી ઝંડી
વડોદરા, તા.14
ડભોઈ અને કરજણ વિસ્તારના મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. લગભગ 7 વર્ષથી બંધ રહેલી ડભોઈ–કરજણ રેલવે લાઈન ફરી શરૂ થવા જઈ રહી છે. મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગ દ્વારા મિયાગામ કરજણ – ડભોઈ – પ્રતાપનગર ડેમુ ટ્રેન સેવા તા. 15 માર્ચથી શરૂ કરવામાં આવશે.
માહિતી મુજબ તા.15ના રોજ રવિવારે સવારે 10:00 વાગ્યે ડભોઈથી મિયાગામ કરજણ માટે પ્રથમ ટ્રેન રવાના થશે, જેને લઈને ડભોઈ તેમજ કરજણ વિસ્તારના લોકોને લાંબા સમયથી રાહ જોવાતી ટ્રેન સેવા ફરી શરૂ થતાં ખુશીની લાગણી વ્યાપી છે.
આ ડેમુ ટ્રેનની ઉદ્ઘાટન સેવા મિયાગામ કરજણ અને ડભોઈ વચ્ચે કાર્યરત રહેશે. મિયાગામ કરજણ સ્ટેશન પર આયોજિત સમારોહમાં ભરૂચના સાંસદ તથા અન્ય જનપ્રતિનિધિઓ દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે.
તે જ રીતે ડભોઈ સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં છોટા ઉદેપુરના સાંસદ અને અન્ય જનપ્રતિનિધિઓ દ્વારા ટ્રેનને મિયાગામ કરજણ તરફ લીલી ઝંડી આપવામાં આવશે.
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ ઉદ્ઘાટન બાદ આ ટ્રેનની નિયમિત સેવા ડભોઈ થઈને મિયાગામ કરજણ અને પ્રતાપનગર વચ્ચે દોડશે, જેના કારણે આ વિસ્તારના મુસાફરોને મુસાફરીમાં મોટી રાહત મળશે.