
23 વર્ષની સના તરફ એક ઊડતી નજર પડે તો તે જાણે ફિલ્મની કોઈ નાજુક, નમણી, સુંદર અભિનેત્રી જેવી દેખાશે. કુદરતે દરેક માનવીની રચના અલગ અલગ રીતે કરી છે. જો કોઈ વ્યક્તિના કોઈ અંગમાં ખામી મૂકી હોય તો તે જ વ્યક્તિમાં વિશેષ ગુણો પણ મુક્યા હોય છે. સનાના જન્મ પહેલાં જ તેના પેરેન્ટ્સને ખબર પડી ગઈ હતી કે, તેના હાથનો વિકાસ નથી થઈ રહ્યો. કોણીથી પણ શોર્ટ હાથોને કારણે ઓળખીતા લોકોએ સનાથી કઇ નહીં થઈ શકે,તે લખી નહીં શકે એટલે તેને સ્કૂલમાં નહીં મુકવા કહેતા, પણ લોકોને ક્યાં ખ્યાલ હતો કે આ દીકરી આ જ હાથોની કલા કારીગરીથી પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરશે. પિતા મોહમ્મદ શાહિદ અને માતા શબાનાબાનુએ લોકોના “સના કાંઈ જ નહીં કરી શકે”ના શબ્દો ખોટા પાડવા શું કર્યું તેની સ્કૂલે તેને ઝળહળતો હીરો કઈ રીતે બનાવી? ચાલો, સના એના શોર્ટ હાથોથી શું સર્જન કરી રહી છે અને તેની કઈ કલાને કારણે તે એવોર્ડ્સથી સન્માનિત થઈ રહી છે તે વિશે જાણીએ…
સિગિંગ કરે, ફેશન શૉમાં કેટવોક પણ કરે
સના સ્કૂલમાં હતી ત્યારે ગીતો ગાતી. લોકો કહેતા હોય છે કે સનાનો વોઇસ સારો છે. સિગિંગની કોમ્પિટિશનમાં બોલીવુડના સોંગ્સ ગાય છે. સનાએ સુરતમાં દિવ્યાંગોના ફેશન શૉમાં કેટવોક પણ કર્યું છે. અત્યાર સુધી ત્રણ વખત કેટવોક કરી લોકોની પ્રસંશા મેળવી છે. મુંબઈમાં એક NGO છે તેમના દ્વારા મુંબઈમાં લઇ જવામાં આવે છે અને ત્યાં લાઈવ પેઇન્ટિંગ્સ, સ્કેચ કરે તેનું સેલિંગ આ NGO કરે અને જે પૈસા મળે તે સનાને આપવામાં આવે છે.
નરેન્દ્ર મોદી, મધર ટેરેસાના બનાવ્યા પેઇન્ટિંગ્સ

સના પોટ્રેટ પેઇન્ટિંગ્સ, ફેબ્રિક, કેન્વાસ અને વુડન પેઇન્ટિંગ્સ કરે છે. તેણે અત્યાર સુધીમાં આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મધર ટેરેસા, લતા મંગેશકર, રાહુલ ગાંધીના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. આ ઉપરાંત ગણેશજી, રાધા-કૃષ્ણ, મીરા, નેચર, મંદિર,પહાડ પરથી પડતા ઝરણા, પક્ષીઓના ખૂબસુરત પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. જો કોઈ ફ્રીમાં સ્કેચ બનાવી આપવાનું કહે તો તેમના માટે સ્કેચ પૈસા લીધા વગર બનાવી આપે છે.
પોતાના ડ્રેસ પર ફેબ્રિક પેઇન્ટિંગ્સ કરે છે, વોલ પેઇન્ટિંગ્સથી ઘરને સજાવ્યું
સના વુડન પેઇન્ટિંગ્સ, ફેબ્રિક પેઇન્ટિંગ્સ અને વોલ પેઇન્ટિંગ્સ કરવામાં પણ માસ્ટર છે. તેણે પોતાના, તેની મધર અને સિસ્ટરના ડ્રેસ પર ફેબ્રિક પેઇન્ટિંગ્સ કર્યું છે. વોલ પેઇન્ટિંગ્સમાં ફાવટ આવે તે માટે તેના ઘરની દિવારો પર જ મિકી માઉસ, મીની માઉસ અને ફ્લાવર્સના પેઇન્ટિંગ્સ કરીને ઘરને પોતાના પેઇન્ટિંગ્સથી ડેકોરેટ કર્યું છે.
લોકો કહેતા આ છોકરીથી કાંઈ નહીં થાય, કોરોનામાં યુ-ટ્યુબ જોઈને ડ્રોઈંગ શીખી: સના સરગરુ

23 વર્ષની સનાએ જણાવ્યું કે, હું નાની હતી ત્યારે લોકો મારા પેરેન્ટ્સને કહેતા કે સનાને સ્કૂલ નહીં મોકલો તેનાથી કાંઈજ નહીં થાય, પણ મારા પેરેન્ટ્સ હાર નહીં માન્યા તેઓ મારું સ્કૂલમાં એડમિશન થાય તે માટે ટ્રાય કરતા પણ સ્કૂલવાળા મને એડમિશન માટે ના પાડતા. હું ડિસેબલ બાળકોની સ્કૂલમાં ભણવા લાગી. શરૂઆતમાં પગથી લખતી તો મારા મધર શબાનાબાનુ મને હાથથી લખવાનું કહેતા અને મારા હાથ પકડી મને લખતા શીખવાડ્યું. મારા હાથ બહુ શોર્ટ છે એટલે ઝૂકી ઝુકીને લખવું પડતું એટલે શરૂઆતમાં મને તકલીફ પડતી પણ પછી ટેવ પડી ગઈ. કોરોના કાળમાં લોકડાઉન સમયે યુ-ટ્યુબ પર જોઈ જોઈને પેઇન્ટિંગ્સ કરતા શીખી.