મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ગેસ સપ્લાય અંગે ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે Adani Total Gas ના શેરોમાં ભારે તેજી જોવા મળી રહી છે. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેરમાં લગભગ 38% જેટલો જોરદાર ઉછાળો નોંધાયો છે. શુક્રવારે પણ શેરમાં લગભગ 6% નો વધારો થઈ ₹644 સુધી પહોંચ્યો, જ્યારે સમગ્ર બજારમાં નબળો માહોલ જોવા મળ્યો હતો. આ અચાનક તેજીથી રોકાણકારોનું ધ્યાન આ શેર તરફ ખેંચાયું છે.
સરકારના નવા ગેસ ઓર્ડરથી શેરમાં આગ જેવી તેજી : કંપનીના શેરમાં થયેલા આ ઉછાળાનું મુખ્ય કારણ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ Natural Gas (Supply Regulation) Order, 2026 માનવામાં આવે છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ગેસ સપ્લાયમાં ખલેલની સંભાવનાને ધ્યાનમાં રાખીને સરકારે ગેસ પુરવઠાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે.
આ નવા નિયમ મુજબ ઘરેલુ PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) અને વાહનોમાં વપરાતા CNG માટે ગેસ સપ્લાયને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. સરકારના આદેશ મુજબ છેલ્લા છ મહિનાની સરેરાશ વપરાશના આધારે 100% સપ્લાય જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ગેસ સપ્લાયમાં ખલેલ: મિડલ ઈસ્ટ તણાવની સીધી અસર: કંપનીએ જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં વધતા જિયોપોલિટિકલ તણાવને કારણે કેટલાક ગેસ સપ્લાયરો દ્વારા પુરવઠામાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેના કારણે ઔદ્યોગિક ગ્રાહકોને ગેસ પૂરું પાડવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. સરકારે ગેસ ઉત્પાદન, આયાત, માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલી તમામ સંસ્થાઓને નવા સપ્લાય શેડ્યૂલનું પાલન કરવાની સૂચના આપી છે. આ પ્રક્રિયાને સંકલિત કરવા માટે GAIL (India) Limited અને પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
Hormuz બંધ થવાથી ગેસના ભાવમાં ઉછાળો : મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને Strait of Hormuz વિસ્તારમાં સપ્લાય ચેઇનમાં પડતા પ્રભાવને કારણે ભારતમાં ગેસના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ઘરેલુ LPG સિલિન્ડરનો ભાવ લગભગ ₹60 જેટલો વધી ગયો છે, જ્યારે કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ ₹114.5 સુધી મોંઘો થયો છે.
ભારત વિશ્વનો બીજો સૌથી મોટો LPG આયાતકાર દેશ છે. ગેસની અછતના કારણે દેશના અનેક રેસ્ટોરન્ટ્સે મેનૂમાં ફેરફાર કરીને ઓછા ગેસમાં બનતા ખોરાક તરફ વળવું પડ્યું છે.
રોકાણકારો માટે સંકેત: બજારમાં નજર રાખવાની જરૂર :અદાણી ટોટલ ગેસના શેરોમાં આવી રહેલી તેજી બતાવે છે કે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓ પણ બજાર પર સીધી અસર કરે છે. આવનારા દિવસોમાં મિડલ ઈસ્ટની પરિસ્થિતિ અને ગેસ સપ્લાય પર શું અસર પડે છે તે મુજબ આ શેરમાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.