નિષ્ઠાવાન કાર્યકરો હાંસિયામાં, બળવાખોરોને મળ્યા મલાઈદાર હોદ્દા; સાંસદ ડૉ. હેમાંગ જોશીની સંગઠન પરની પકડ સામે ઉઠ્યા સવાલો
વડોદરા શહેર ભાજપના સંગઠન માળખામાં લાંબા સમયથી પ્રતીક્ષામાં રહેલી યુવા મોરચાની નિમણૂકો જાહેર થતાની સાથે જ પક્ષમાં આંતરિક વિખવાદ અને વિવાદોનો વંટોળ શરૂ થયો છે. વડોદરા મહાનગર યુવા મોરચાના હોદ્દેદારોની યાદીમાં એવા નામો ચમક્યા છે જેમણે અગાઉ ભાજપની જ વિદ્યાર્થી પાંખ ગણાતી એબીવીપી સામે બળવો કર્યો હતો.
સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી વિગતો મુજબ, વિદ્યાર્થીકાળમાં એબીવીપી સામે મેદાનમાં ઉતરનાર અને ‘વિદ્યાર્થી વિકાસ પરિષદ’ ના બેનર હેઠળ ચૂંટણી લડનારા કક્ષા પટેલ અને પાર્થ પંડ્યાને સંગઠનમાં મહત્વના હોદ્દા સોંપવામાં આવ્યા છે. કક્ષા પટેલની નિમણૂક ઉપ પ્રમુખ તરીકે અને પાર્થ પંડ્યાની નિમણૂક મંત્રી તરીકે કરવામાં આવી છે.
આ નિમણૂકોને લઈને પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરોનું કહેવું છે કે, “જે લોકોએ પક્ષની વિચારધારા સામે જંગ છેડ્યો હતો, તેમને પક્ષમાં હોદ્દા આપીને નવાજવામાં આવ્યા છે, જ્યારે નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના થઈ છે.”
આ સમગ્ર વિવાદમાં વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી પણ શંકાના દાયરામાં આવ્યા છે. રાજકીય વિશ્લેષકો અને નારાજ જૂથનું માનવું છે કે, સંગઠનના પદો પર આવી વિવાદાસ્પદ નિમણૂકો થવી એ સ્થાનિક નેતૃત્વની નિષ્ફળતા સૂચવે છે. એક તરફ જ્યારે ભાજપ શિસ્ત અને કેડર-બેઝ્ડ હોવાની વાતો કરે છે, ત્યારે સાંસદ તરીકે ડૉ. હેમાંગ જોશી પોતાના જ મતક્ષેત્રમાં એવા લોકોના નામો ફિલ્ટર કરવામાં નિષ્ફળ રહ્યા છે જેઓ ભૂતકાળમાં પક્ષની પાંખ સામે જ પડ્યા હતા. વડોદરા ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની ચર્ચાઓ વચ્ચે સાંસદની નિષ્ક્રિયતા અથવા અમુક ચોક્કસ જૂથને પ્રોત્સાહન આપવાની નીતિ પક્ષને નુકસાન કરી શકે છે. ડૉ. હેમાંગ જોશી યુવા સાંસદ હોવા છતાં, યુવા મોરચાની નિમણૂકોમાં થયેલો આ છબરડો તેમની વહીવટી પકડ અને સંગઠન શક્તિ પર સવાલિયા ચિહ્ન મૂકે છે.
હાલમાં તો આ નિમણૂકોના કારણે વડોદરા ભાજપનું રાજકારણ ગરમાયું છે. આગામી દિવસોમાં આ અસંતોષ કયું સ્વરૂપ લે છે અને સાંસદ ડૉ. હેમાંગ જોશી આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે તેના પર સૌની નજર રહેશે.