Top News Main

હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈ કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાત તરફ આવી રહેલા જહાજના 20 ક્રૂ બચાવાયા, 3 હજુ ગુમ

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં એક કાર્ગો જહાજ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. ગુજરાત તરફ આવી રહેલા થાઈલેન્ડના બલ્ક કેરિયર જહાજ પર પ્રોજેક્ટાઈલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. ઘટના બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ થાઈ ધ્વજ ધરાવતું બલ્ક કેરિયર ‘મયુરી નારી’ ઓમાનના ઉત્તર તરફ આશરે 11 નોટિકલ માઈલ દૂર હતું, ત્યારે અચાનક તેના પર હુમલો થયો. હુમલા બાદ જહાજને નુકસાન પહોંચતાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એક અહેવાલ મુજબ જહાજ પર સવાર 23 ક્રૂ સભ્યોમાંથી 20 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બચાવાયેલા ક્રૂ સભ્યોને ઓમાનના નૌકાદળની મદદથી સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. જોકે ત્રણ ક્રૂ સભ્યો હજુ પણ ગુમ હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેમની શોધખોળ ચાલુ છે. રોયલ થાઈ નૌકાદળે જણાવ્યું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરીને જહાજ અને બાકી રહેલા ક્રૂ સભ્યોની મદદ માટે પ્રયાસ કરી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક માનવામાં આવે છે. આ માર્ગથી વૈશ્વિક તેલ સપ્લાયનો મોટો હિસ્સો પસાર થાય છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ વિસ્તારમાં જહાજો પર હુમલાની ઘટનાઓ અંગે ચિંતા વધતી જઈ રહી છે.

Most Popular

To Top