શું આ બાયોલોજિકલ હથિયાર છે? ટ્રમ્પે કહ્યું- ‘ટૂંક સમયમાં સત્ય સામે આવશે’
લગભગ 200 લોકોની કરાઈ હતી મેડિકલ દેખરેખ, રશિયાએ પ્લેગની પુષ્ટિ નકારી
રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં એક એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતી 28 વર્ષીય મહિલા કર્મચારીના રહસ્યમય મોત બાદ સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે. મહિલા કર્મચારીનું 2 ઓક્ટોબરે ગંભીર ન્યુમોનિયા બાદ મોત થયું હતું. ખાસ વાત એ છે કે તે જે સંસ્થામાં કામ કરતી હતી ત્યાં પ્લેગ સહિત અનેક ગંભીર અને જોખમી બીમારીઓના સંશોધન પર કામ કરવામાં આવે છે. આ ઘટનાને પગલે આશરે 200 લોકોને મેડિકલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જોકે અત્યાર સુધી આ લોકોમાંથી કોઈમાં પ્લેગની પુષ્ટિ થઈ નથી.આ મામલે સૌથી મોટો સવાલ એ છે કે શું આ માત્ર એક સામાન્ય ચેપની ઘટના છે કે પછી લેબમાં રહેલા ખતરનાક બેક્ટેરિયાના સંપર્કથી આ ઘટના બની?
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે લેબમાં કામ દરમિયાન પ્લેગના બેક્ટેરિયા ધરાવતી ટેસ્ટ ટ્યુબ તૂટી ગઈ હતી અને તેના કારણે મહિલા તેના સંપર્કમાં આવી હોઈ શકે છે. જોકે રશિયન અધિકારીઓએ આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. રશિયાનું કહેવું છે કે મહિલાના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને તપાસમાં તેના શરીર અથવા સંપર્કમાં આવેલા લોકોમાં પ્લેગના ખતરનાક પેથોજેન મળ્યા નથી,આ ઘટનાને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું રશિયામાં સામે આવેલી આ ઘટના કોઈ બાયોલોજિકલ હથિયાર એટલે કે બાયોએપન સાથે જોડાયેલી હોઈ શકે છે, ત્યારે તેમણે કહ્યું કે અમેરિકાને હાલ એવું લાગતું નથી કે આ બાયોએપન છે. ટ્રમ્પે સાથે જ કહ્યું કે આ મામલે ટૂંક સમયમાં વધુ સત્ય સામે આવશે અને અમેરિકા સમગ્ર ઘટનાને નજીકથી જોઈ રહ્યું છે.
ટ્રમ્પના નિવેદનથી એક તરફ બાયોએપન અંગેની અટકળોને બ્રેક લાગી છે, પરંતુ બીજી તરફ ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ અને માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO પણ રશિયા પાસેથી આ ઘટનાને લગતી વધુ માહિતી માંગી રહી છે. WHOનું કહેવું છે કે મહિલાને કયા ચોક્કસ પેથોજેનના કારણે ન્યુમોનિયા થયો અને તેના મોતનું સાચું કારણ શું હતું, તે અંગે હજુ સંપૂર્ણ સ્પષ્ટતા નથી. WHOએ રશિયા પાસેથી લેબ ટેસ્ટ, સંપર્કમાં આવેલા લોકોની સ્થિતિ અને તપાસના પરિણામો અંગે વધુ વિગતો માગી છે.
રશિયન આરોગ્ય અધિકારીઓએ હાલ દેશમાં કોઈ પ્લેગના પ્રકોપની પુષ્ટિ કરી નથી અને મહામારીનું જોખમ ન હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, અમેરિકા પણ આ સમગ્ર ઘટનાની માહિતી મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકી અધિકારીઓએ રશિયાને વધુ પારદર્શક માહિતી વિશ્વ સાથે શેર કરવા અપીલ કરી છે. એટલે હાલની સ્થિતિમાં રશિયામાં પ્લેગનો પ્રકોપ કે બાયોલોજિકલ હથિયાર હોવાનો કોઈ પક્કો પુરાવો સામે આવ્યો નથી, પરંતુ લેબ કર્મચારીના રહસ્યમય મોતને કારણે અનેક સવાલો હજુ પણ યથાવત છે.તપાસ આગળ વધશે તેમ ઘટનાની વાસ્તવિક હકીકત વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.