છાતીમાં દુખાવો અને ભારે પરસેવાથી હતા પરેશાન, સવારે હોસ્પિટલ પહોંચાડાયા પરંતુ જીવ બચાવી શકાયો નહીં
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. 75 વર્ષની ઉંમરે ગોવામાં તેમણે અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી મુજબ, નાનાને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો અને તેમની તબિયત ઝડપથી બગડી હતી. ગોવાના મણિપાલ હોસ્પિટલના ડૉક્ટર શેખર સાલકરે જણાવ્યું કે નાનાને બચાવવા માટે મેડિકલ ટીમે લગભગ 45 મિનિટથી એક કલાક સુધી કાર્ડિયાક મસાજ સહિતની સારવાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.
રાત્રે 2:30 વાગ્યે મિત્રને કર્યો મેસેજ
નાના પાટેકરના અંતિમ સમય અંગે સામે આવેલી માહિતી પ્રમાણે, રાત્રે આશરે 2:30 વાગ્યે તેમણે પોતાના એક મિત્રને મેસેજ કર્યો હતો કે તેમની તબિયત સારી નથી લાગતી. રાત્રિનો સમય હોવાથી મિત્ર તે સમયે મેસેજ જોઈ શક્યો નહોતો. બાદમાં જ્યારે મિત્રએ નાનાને ફોન કર્યો અને આશરે સવારે 4 વાગ્યાની આસપાસ તેમના ઘરે પહોંચ્યો, ત્યારે તેમની સ્થિતિ ગંભીર બની ચૂકી હતી. નાનાને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તેઓ અસ્વસ્થ જણાઈ રહ્યા હતા.
ઘરમાં પરિવાર હાજર નહોતો
ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નાનાના અંતિમ પળોમાં તેમના ઘરે પરિવારના સભ્યો હાજર નહોતા. તેમની સાથે મિત્ર અને કેરટેકર હતા. તબિયત વધુ ખરાબ થતાં કેરટેકરને હોસ્પિટલ તરફ મોકલવામાં આવ્યા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. હોસ્પિટલની ઇમરજન્સી ટીમ જ્યારે તેમના ઘરે પહોંચી ત્યારે નાનાની સ્થિતિ અત્યંત ગંભીર હતી અને તેઓ કોઈ પ્રતિસાદ આપી રહ્યા નહોતા. મેડિકલ ટીમે તરત જ કાર્ડિયાક મસાજ શરૂ કરી હતી.
હોસ્પિટલ પહોંચતા પહેલાં જ સ્થિતિ અત્યંત ગંભીર
મેડિકલ ટીમ નાનાને સારવાર માટે મણિપાલ હોસ્પિટલ લઈ ગઈ હતી. અહેવાલ મુજબ તેમને સવારે આશરે 4:20થી 4:30 વાગ્યાની વચ્ચે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જોકે, ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. સતત પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા અને સવારે આશરે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ચાહકો અને ફિલ્મ જગતમાં શોક
નાના પાટેકરના અચાનક નિધનથી તેમના ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે શોકની લાગણી છે. લાંબી અને યાદગાર ફિલ્મી કારકિર્દીમાં તેમણે અનેક પડકારજનક ભૂમિકાઓ ભજવી હતી અને પોતાની આગવી અભિનય શૈલીથી દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. તેમના નિધન બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અને ફિલ્મી હસ્તીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.નાના પાટેકર આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના અભિનય અને યાદગાર પાત્રો દ્વારા તેઓ હંમેશા દર્શકોના દિલમાં જીવંત રહેશે.