Business

‘કોકરોચ જનતા પાર્ટી’ના વિરોધમાં પ્રકાશ રાજ મેદાને, લોકોને પણ જોડાવા કરી અપીલ

ફ્રીડમ પાર્કમાં યોજાશે ‘પીપલ્સ ટ્રિબ્યુનલ’, પ્રકાશ રાજે કહ્યું‘આ માત્ર મતનો મુદ્દો નથી’: કર્ણાટકમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને રાજકીય અને સામાજિક વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. હવે જાણીતા અભિનેતા અને સામાજિક કાર્યકર પ્રકાશ રાજ પણ આ મુદ્દે ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા છે. પ્રકાશ રાજે 8 ઓક્ટોબરે બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવાની અપીલ કરી છે.

આ કાર્યક્રમ ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) અને સિવિલ સોસાયટી સંગઠનો સાથે મળીને યોજાઈ રહ્યો છે.પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર શેર કરેલા સંદેશમાં SIR પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, મતદાર યાદીમાંથી નામ હટાવવાની પ્રક્રિયાથી અસરગ્રસ્ત નાગરિકો આ કાર્યક્રમમાં પોતાની સમસ્યાઓ અને પુરાવા રજૂ કરશે. તેમણે SIRને લોકશાહી અને બંધારણ માટે ગંભીર મુદ્દો ગણાવ્યો છે અને લોકોને મોટી સંખ્યામાં ફ્રીડમ પાર્ક પહોંચીને આ અભિયાનને સમર્થન આપવા અપીલ કરી છે.

આ વિરોધનું આયોજન કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકે અને પ્રવક્તા સૌરવ દાસ સહિતના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સંગઠન અગાઉ પણ મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયાને લઈને વિરોધ પ્રદર્શનો કરી ચૂક્યું છે. CJPનો આરોપ છે કે SIR પ્રક્રિયા દરમિયાન યોગ્ય મતદારોના નામ પણ મતદાર યાદીમાંથી દૂર થઈ શકે છે અને આ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે. જોકે, ચૂંટણી તંત્ર અને સરકાર તરફથી મતદાર યાદીમાં સુધારા અંગે કરવામાં આવેલી કાર્યવાહીનો હેતુ યોગ્ય અને અયોગ્ય મતદારોને અલગ કરવાનો હોવાનું જણાવવામાં આવ્યું છે.બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં યોજાનારા કાર્યક્રમમાં ‘પીપલ્સ ટ્રિબ્યુનલ’ પણ યોજાશે.તેમાં SIRથી અસરગ્રસ્ત હોવાનું કહેતા લોકો પોતાના અનુભવો અને ફરિયાદો રજૂ કરશે.

અહેવાલો મુજબ કાર્યક્રમમાં સિવિલ સોસાયટીના લોકો, યુવા સંગઠનો અને CJP સાથે જોડાયેલા કાર્યકરો હાજર રહેવાના છે. આ સાથે વિરોધને વધુ વ્યાપક બનાવવા માટે પ્રકાશ રાજે પણ લોકોને જોડાવાની અપીલ કરી છે.આ કાર્યક્રમમાં યુટ્યુબર ધ્રુવ રાઠી પણ હાજર રહેવાના હોવાની માહિતી સામે આવી છે. પ્રકાશ રાજે સોશિયલ મીડિયા દ્વારા તેમને ‘સરપ્રાઇઝ ગેસ્ટ’ તરીકે રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે યોજાનારા કાર્યક્રમમાં જોડાશે. અહેવાલો મુજબ, વિરોધ દરમિયાન ‘ચપ્પલ પ્રદર્શન’ પણ યોજાવાનું છે.

આ સમગ્ર વિવાદનું કેન્દ્ર SIR દ્વારા મતદાર યાદીમાં કરવામાં આવી રહેલા સુધારા છે. વિરોધ કરનારા સંગઠનોનો દાવો છે કે પ્રક્રિયાના કારણે મોટી સંખ્યામાં લોકોના મતાધિકાર પર અસર પડી શકે છે, જ્યારે સત્તાવાળાઓનું કહેવું છે કે મતદાર યાદીને વધુ ચોક્કસ અને વિશ્વસનીય બનાવવા માટે સુધારા જરૂરી છે. આ મુદ્દે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે.પ્રકાશ રાજનું આ નિવેદન પણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેઓ અગાઉથી જ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાના સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા છે. હવે 8 ઓક્ટોબરના બેંગલુરુ કાર્યક્રમમાં તેઓ પોતે હાજર રહીને SIR સામે અવાજ ઉઠાવશે. ફ્રીડમ પાર્કમાં યોજાનારા આ વિરોધ પર હવે રાજકીય પક્ષો અને સામાન્ય લોકોની નજર રહેશે.

Most Popular

To Top