Business

ખોડીયાર નગર પાસે લીંબડી ત્રણ રસ્તા પર અચાનક ભૂવો પડ્યો: શાકભાજીની લારી સાથે વેપારી ખાબક્યો

સ્થાનિકોએ મથામણ કરી લારીધારકને બહાર કાઢ્યો; રોજીરોટી અને ગલ્લો ગરકાવ થતાં વેપારી મુશ્કેલીમાં, પાલિકાની ઘોર બેદરકારી સામે રોષ

વડોદરા::
શહેરના પૂર્વ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના રોડ અને ડ્રેનેજ વિભાગની નબળી કામગીરીની પોલ ખોલતી વધુ એક ઘટના સામે આવી છે. ખોડીયાર નગર પાસે D-Mart ની બાજુમાં આવેલા લીંબડી ત્રણ રસ્તા પર અચાનક જમીન બેસી જતાં મોટો ભૂવો પડ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી શાકભાજીની લારી ભૂવામાં ખાબકતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
​અચાનક રસ્તો ધસી પડતાં લારીધારક કંઈ સમજે તે પહેલાં જ આખી લારી ભૂવામાં ગરકાવ થઈ ગઈ હતી. લારીમાં મુકેલું તમામ શાકભાજી તેમજ દિવસભરની રોજીરોટીનો રૂપિયાનો ગલ્લો પણ ભૂવામાં પડી જતાં નાના વેપારીને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ઘટના બનતાં જ આસપાસના સ્થાનિક રહીશો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ લારીધારક તેમજ લારીને બહાર કાઢવામાં આવ્યા હતા.
​પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે આવતાં સ્થાનિકોએ જાતે જ જાગૃતિ દાખવી ભૂવાની આસપાસ બેરિકેડ ગોઠવી રસ્તો સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જાહેર રસ્તા પર ભૂવો પડ્યા બાદ સુરક્ષાની જવાબદારી પણ શું હવે પબ્લિકે જ નિભાવવાની? દર વર્ષે નિયમિત વેરો ભરવા છતાં નાગરિકોને સુરક્ષિત રસ્તા ક્યારે મળશે અને નાના વેપારીના નુકસાનની જવાબદારી કોણ લેશે?
​સ્થાનિક રહીશોએ માગણી કરી છે કે મહાનગરપાલિકા આ ઘટનાની તાત્કાલિક તપાસ કરી ભૂવો પૂરવાની કામગીરી કરે, ભૂવો પડવા પાછળનું ટેકનિકલ કારણ જાહેર કરે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરે.

Most Popular

To Top