રામધૂન બાદ હાથમાં ઝાડુ લઈ અનોખો વિરોધ
ગુજરાતમાં મહેસૂલી વિભાગના હજારો કર્મચારીઓ પોતાની પડતર 14 જેટલી માંગણીઓને લઈને સરકાર સામે મેદાનમાં ઉતર્યા છે. માસ CL સહિતના વિવિધ વિરોધ કાર્યક્રમો બાદ પણ માંગણીઓનો ઉકેલ ન આવતા હવે રાજ્યભરના 10 હજારથી વધુ વર્ગ-3ના મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.હડતાળના પગલે કલેક્ટર કચેરીથી લઈને મામલતદાર કચેરી સુધીની સરકારી કામગીરી પર સીધી અસર જોવા મળી રહી છે. તલાટીથી લઈને નાયબ મામલતદાર સુધીના કર્મચારીઓ હડતાળમાં જોડાતા મહેસૂલી વિભાગની અનેક કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે વિવિધ સરકારી કામ માટે કચેરીએ પહોંચતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હડતાળના બીજા દિવસે કર્મચારીઓએ વિરોધનું અનોખું સ્વરૂપ અપનાવ્યું હતું. ગાંધીનગર, સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત વિવિધ જિલ્લા કલેક્ટર કચેરીઓ બહાર કર્મચારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. સૌપ્રથમ કર્મચારીઓએ રામધૂન બોલાવી સરકારને સદ્બુદ્ધિ મળે અને તેમની પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ આવે તેવી પ્રાર્થના કરી હતી.રામધૂન બાદ કર્મચારીઓએ હાથમાં ઝાડુ ઉપાડી કચેરી પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. વિરોધની સાથે સ્વચ્છતાનો સંદેશ આપતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તેઓ સરકારી સંપત્તિ અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીને પણ મહત્વ આપે છે.
જોકે કર્મચારીઓના આંદોલન વચ્ચે સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો થયો છે. આવક, જાતિ અને નોન-ક્રીમીલેયર પ્રમાણપત્રો, વિધવા સહાય યોજના, જમીન સંપાદન સહિતની કામગીરી માટે આવતા અરજદારોને પરત ફરવાની અથવા કામગીરી માટે રાહ જોવાની સ્થિતિ સર્જાઈ છે. વિદ્યાર્થીઓને પણ PG એડમિશન સહિતના જરૂરી પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.મહેસૂલી કર્મચારી મહામંડળનો આક્ષેપ છે કે, સુધારા, પ્રમોશન, સેવા સંબંધિત પ્રશ્નો અને અન્યાયી બદલીઓ સહિતની 14 જેટલી માંગણીઓ અંગે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં સરકાર તરફથી સંતોષકારક ઉકેલ આવ્યો નથી.કર્મચારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને કર્મચારીઓ વચ્ચેની વાતચીતથી આ હડતાળનો અંત આવે છે કે પછી આગામી દિવસોમાં સરકારી કામગીરી પર તેની અસર વધુ ઘેરી બને છે.