માણેજા અને સોમનાથનગરમાં ચોરીની ઘટનાઓથી વેપારીઓમાં ફફડાટ, પોલીસની નાઈટ પેટ્રોલિંગના નામે માત્રા આટાફેરા
વડોદરા તા.8
વડોદરા શહેરમાં તસ્કરોનો આતંક ફરી વકરતો જોવા મળી રહ્યો છે. મકરપુરા વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં બે અલગ-અલગ ગલ્લાને નિશાન બનાવી ચોરી કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. માણેજા હિટાચી કંપની સામેના ગલ્લામાંથી રૂ.25થી 30 હજારની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે, જ્યારે સોમનાથનગર ગેટ નં.1 સામેના અન્ય ગલ્લામાંથી રૂ.5થી 10 હજારનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
મકરપુરા વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. માણેજા હિટાચી કંપનીની સામે આવેલા ગલ્લાને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. ગલ્લો તોડી અંદર પ્રવેશેલા તસ્કરો રોકડ સહિતની વસ્તુઓ મળી અંદાજે રૂ.25થી 30 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ ઉપરાંત સોમનાથનગર ગેટ નં.1 સામે આવેલા અન્ય એક ગલ્લામાં પણ તસ્કરોએ હાથ અજમાવ્યો હતો. આ ગલ્લો પણ તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો અને અંદાજે રૂ.5થી 10 હજારનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. બંને બનાવોની જાણ થતાં પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી છે.
એક જ વિસ્તારમાં બે ગલ્લા તૂટતાં સ્થાનિક વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. શહેરમાં ચોરીની ઘટનાઓ વધી રહી હોવાના આક્ષેપો વચ્ચે પોલીસનું નાઈટ પેટ્રોલિંગ કેટલું અસરકારક છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે તસ્કરો બેફામ રીતે ગલ્લા અને દુકાનોને નિશાન બનાવી રહ્યા હોય ત્યારે પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા સામે પણ ચર્ચા શરૂ થઈ છે. પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ છે.