દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. સામી દિવાળીએ સુરતના વીવર્સોએ યાર્નના પેમેન્ટને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.હવે યાર્ન ખરીદી કર્યા બાદ તેનું પેમેન્ટ 15 દિવસની અંદર ચૂકવવાનું રહેશે.આ નિર્ણયથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં નાણાકીય શિસ્ત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.સુરત દેશના સૌથી મોટા ટેક્સટાઇલ હબ પૈકીનું એક છે અને અહીં લાખો લોકો સીધી કે આડકતરી રીતે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. હાલ ઉદ્યોગમાં મંદી અને નાણાકીય ખેંચની સ્થિતિ વચ્ચે સમયસર પેમેન્ટ ન મળવાને કારણે વીવર્સો અને વેપારીઓ પર આર્થિક દબાણ વધી રહ્યું હતું.
ખાસ કરીને યાર્ન ખરીદી બાદ પેમેન્ટની લાંબી ક્રેડિટ સાયકલને કારણે બજારમાં નાણાંનો પ્રવાહ ધીમો પડી રહ્યો હતો. જેના કારણે ઉત્પાદન અને વેપારના ચક્ર પર પણ તેની અસર જોવા મળી રહી હતી.આ સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતના વીવિંગ સેક્ટરના અગ્રણીઓ અને એસોસિએશનો દ્વારા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં યાર્નના પેમેન્ટને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વીવર્સોએ યાર્ન ખરીદીનું પેમેન્ટ મહત્તમ 15 દિવસની અંદર કરવાનું રહેશે.વીવર્સોનું માનવું છે કે સમયસર પેમેન્ટની વ્યવસ્થા ઉભી કરવી ખૂબ જરૂરી છે. જો પેમેન્ટ લાંબા સમય સુધી અટવાય તો સમગ્ર ક્રેડિટ સાયકલ ખોરવાઈ શકે છે અને ઉદ્યોગમાં નાણાકીય ફસામણીનું જોખમ વધી શકે છે.સામી દિવાળીએ કામદારોના પગાર, બોનસ તેમજ અન્ય ખર્ચની ચૂકવણી કરવાની હોય છે. આવી સ્થિતિમાં બજારમાં રોકડ નાણાંનો પ્રવાહ જળવાઈ રહે તે જરૂરી છે. 15 દિવસની પેમેન્ટ સિસ્ટમથી વેપાર વ્યવહારમાં પારદર્શિતા અને નાણાકીય શિસ્ત લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નક્કી કરાયેલા સમયગાળામાં પેમેન્ટ નહીં કરનાર સામે શિસ્તબદ્ધ પગલાં લેવાની પણ વાત કરવામાં આવી છે. આ નિર્ણયથી યાર્ન સપ્લાયર્સ અને વીવર્સો વચ્ચે પેમેન્ટનું ચક્ર વધુ વ્યવસ્થિત બનવાની આશા છે.જોકે શરૂઆતમાં આ નિર્ણયને કારણે બજારમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળે સમયસર પેમેન્ટની વ્યવસ્થા નાના અને મધ્યમ કદના વીવર્સો માટે રાહતરૂપ બની શકે છે. પેમેન્ટ ઝડપથી ક્લિયર થતાં બજારમાં નાણાંનો પ્રવાહ વધશે અને ટેક્સટાઇલ ઉદ્યોગનું આર્થિક ચક્ર વધુ મજબૂત બની શકે છે.સામી દિવાળીએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં યાર્નના પેમેન્ટને લઈને લેવાયેલો 15 દિવસનો આ નિર્ણય નાણાકીય શિસ્ત લાવવાનો મહત્વનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. હવે આ નિર્ણયનો ઉદ્યોગના વેપાર અને પેમેન્ટ સાયકલ પર કેટલો સકારાત્મક પ્રભાવ પડે છે, તે આવનારો સમય બતાવશે.