Gujarat

ગુજરાતમાં ગરમીનો કહેર વધ્યો – અનેક શહેરોમાં ગરમી ૪૧–૪૨ ડિગ્રી સુધી પહોંચી

૧૧ અને ૧૨ માર્ચે ગરમીનું ઓરેન્જ એલર્ટ જારી કરાયુ ,
દરિયા કિનારાપટ્ટી વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા

ગાંધીનગર,તા.10
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૧થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું છે. પ્રદેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આશરે ૪૧.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં ૧૭.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.હવામાન વિભાગે આગાહી કરી છે કે ૧૦ માર્ચથી ૧૩ માર્ચ દરમિયાન ગુજરાતના કિનારાપટ્ટી વિસ્તારો તથા સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે.આગામી ત્રણ દિવસ એટલે કે 11થી 13 માર્ચ દરમ્યાન ગરમીમાં કોઈ રાહત મળશે નહીં , જો કે તે પછી 2થી4 ડિગ્રી ઘરમી ઘટશે.

હવામાન વિભાગે ૧૧ અને ૧૨ માર્ચ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ૧૧ માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ગંભીર ગરમીની લહેરના પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જુનાગઢ અને કચ્છ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં ગંભીર ગરમીની લહેર રહેવાની આગાહી કરવામાં આવી છે.

તે ઉપરાંત ૧૧ માર્ચે મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આનંદ, વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં ગરમીની લહેર રહેવાની શક્યતા છે. દીવમાં પણ ઉંચું તાપમાન નોંધાવાની આગાહી કરવામાં આવી છે.

ઓરેન્જ એલર્ટ સાથે ૧૨ માર્ચે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીવ્ર ગરમીની લહેર રહેવાની શક્યતા છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને કચ્છ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ગરમીની તીવ્રતા વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તે જ દિવસે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત જિલ્લામાં પણ ગરમીની લહેરની સ્થિતિ સર્જાઈ શકે છે.

૧૩ અને ૧૪ માર્ચ દરમિયાન બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, મોરબી અને કચ્છ જિલ્લામાં ગરમીની લહેર રહેવાની શક્યતા છે. આ સાથે કિનારાપટ્ટી વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેમાં ભૂજમાં ૪૦ ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં ૩૭, કંડલા બંદરે ૪૧, કંડલા એરપોર્ટ પર ૪૦, અમરેલીમાં ૪૧, ભાવનગરમાં ૩૯, પોરબંદરમાં ૩૮, રાજકોટમાં ૪૨, સુરેન્દ્રનગરમાં ૪૨, મહુવામાં ૪૦, કેશોદમાં ૪૧, અમદાવાદમાં ૪૧, ડીસામાં ૪૧, ગાંધીનગરમાં ૪૧, વલ્લભ વિદ્યાનગરમાં ૩૯, વડોદરામાં ૪૦, સુરતમાં ૪૧ અને દમણમાં ૩૭ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગે લોકોને ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.

Most Popular

To Top