વિદેશમાં નોકરી કરતી મહિલાઓ સામે સાયબર બ્લેકમેલિંગના વધતા કિસ્સાઓ વચ્ચે સુરતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુબઈની એક હીરાની પેઢીમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા શખ્સે પોતાની સહકર્મચારી સુરતની યુવતીના ફોટા મોર્ફ કરી તેને વાયરલ કરવાની ધમકી આપી લગભગ રૂ. 79 લાખ (3.42 લાખ દીરહામ) ઉઘરાવ્યા હોવાનો આરોપ છે. આ મામલે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, સુરતના સુમુલ ડેરી રોડ વિસ્તારમાં રહેતી યુવતી દુબઈમાં એક પ્રતિષ્ઠિત ડાયમંડ કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2021-22 દરમિયાન તેની ઓળખ ઓફિસમાં કામ કરતા હમીરપુર,હિમાચલ પ્રદેશના એક યુવક સાથે થઈ હતી. બંને ભારતીય હોવાથી તેમની વચ્ચે મિત્રતા થઈ હતી અને તેઓ અવારનવાર મળતા પણ હતા. આ મિત્રતાનો ગેરલાભ ઉઠાવી આરોપીએ યુવતીના સામાન્ય ફોટા મેળવી તેમને એડિટ કરી અશ્લીલ રીતે મોર્ફ કર્યા હતા. ત્યારબાદ આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. આરોપીએ કંપનીના ગ્રુપમાં તેમ જ યુવતીના પરિવારજનોને ફોટા મોકલી બદનામ કરવાની ધમકી આપી હતી. સાથે જ જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ ધમકીઓથી ડરી ગયેલી યુવતીએ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે વર્ષ 2023થી અત્યાર સુધીમાં ટુકડે-ટુકડે કરીને કુલ 3.42 લાખ દીરહામ, એટલે કે અંદાજે રૂ. 79 લાખ આરોપીને આપ્યા હતા. છતાં આરોપીએ વધુ નાણાંની માંગણી ચાલુ રાખી હતી. આખરે આરોપીના ત્રાસથી કંટાળી યુવતીએ પરિવારને સમગ્ર ઘટના જણાવી. ત્યારબાદ પરિવારે સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. પોલીસએ યુવતીની ફરિયાદના આધારે આરોપી ઠાકુર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ તથા વધુ તપાસ માટે કાર્યવાહી શરૂ કરી છે.