Sports

ભારત ફરી વિશ્વ વિજેતા: ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી ઈતિહાસ રચ્યો

ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડ કપ 2026ના ફાઈનલ મુકાબલામાં ન્યૂઝીલેન્ડને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સાથે ભારતે સતત બીજી વખત અને કુલ ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપ જીતવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે. આ ઐતિહાસિક જીતમાં સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, અક્ષર પટેલ અને જસપ્રિત બુમરાહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઈનલ મેચ ભારતીય ક્રિકેટ માટે ખાસ બની રહી. ત્રણ વર્ષ પહેલા આ જ મેદાન પર 2023ના વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાથી હાર મળી હતી, જેના કારણે કરોડો ભારતીય ચાહકો નિરાશ થયા હતા. પરંતુ આ વખતે ભારતીય ટીમે એ જ મેદાન પર ન્યૂઝીલેન્ડને હરાવી ઇતિહાસ રચ્યો અને જૂનો ઘાવ ભરી દીધો. ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 255 રન બનાવ્યા હતા, જે ટી20 વર્લ્ડ કપ ફાઈનલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ટીમને ભારતીય બોલરોએ માત્ર 19 ઓવરમાં 159 રન પર સમેટી દીધી. ભારતે આ મુકાબલો 96 રનના વિશાળ અંતરથી જીતી લીધો છે.

ભારતની જીતમાં જસપ્રિત બુમરાહે સૌથી અસરકારક બોલિંગ કરી. તેમણે 4 ઓવરમાં માત્ર 14 રન આપી 4 વિકેટ લીધી. અક્ષર પટેલે પણ શાનદાર પ્રદર્શન કરીને 3 વિકેટ પોતાના નામે કરી.જેમ જ ભારતે આ જીત નોંધાવી, તેમ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉજાસ અને ફટાકડાઓથી ઝગમગી ઉઠ્યું. એક લાખ દર્શકોની ક્ષમતાવાળા ભરચક સ્ટેડિયમમાં ભારતીય ચાહકોએ આ ઐતિહાસિક જીતનો જોરદાર ઉત્સવ મનાવ્યો. ભારતે પ્રથમ વખત 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ 2024માં રોહિત શર્માની આગેવાનીમાં અને હવે 2026માં સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતે આ ખિતાબ ફરી પોતાના નામે કર્યો છે.

ભારતીય ટીમની આ શાનદાર જીત પર દેશભરમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ ઇન્ડિયાએ દમદાર પ્રદર્શન, મજબૂત મનોબળ અને ઉત્તમ ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. આ જીત દરેક ભારતીય માટે ગર્વ અને ખુશીની ક્ષણ બની છે. આ સાથે અમદાવાદ સહિત સુરતમાં પણ ઠેર ઠેર ક્રિકેટપ્રેમીઓએ ટીમ ઈન્ડિયાની જીતનું જશન મનાવી ખુશી વ્યક્ત કરી હતી.. ઈન્ડિયા જિંદાબાદ અને ભારતમાતા કી જયના જયઘોષ સાથે રસ્તા પર લોકો ઠેર ઠેર જીતની ખુશી મનાવતા નજરે ચઢ્યા હતા. વેલ ડન ટીમ ઈન્ડિયા.. વી પ્રાઉડ ઓફ યુ.

Most Popular

To Top