પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પ્રવાસને લઈને રાજકીય વિવાદ તેજ બન્યો છે. રાષ્ટ્રપતિના સ્વાગતની વ્યવસ્થા, કાર્યક્રમના સ્થળમાં કરાયેલા ફેરફાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જીની ગેરહાજરીને લઈને દિલ્હીથી કોલકાતા સુધી રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીએમસી સરકાર પર આકરા પ્રહાર કરતા આ ઘટનાને બંધારણ તેમ જ આદિવાસી સમુદાયના ગૌરવનું અપમાન ગણાવ્યું, જ્યારે મમતા બેનર્જીએ સમગ્ર વિવાદને ભાજપનું રાજકીય કાવતરું ગણાવીને આરોપોને ફગાવ્યા છે. મહિલા દિવસના એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાષ્ટ્રપતિ પર થયેલું અપમાન દેશ અને નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર છે અને તેમના પ્રત્યે થયેલું કોઈપણ અપમાન દેશના ગૌરવને ઠેસ પહોંચાડે છે. આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પશ્ચિમ બંગાળની મુલાકાતે દરમિયાન આયોજિત એક કાર્યક્રમની વ્યવસ્થાઓથી નારાજ જોવા મળ્યા હતા. તેઓ આદિવાસી સમુદાયના આંતરરાષ્ટ્રીય સંથાલી કોન્ક્લેવમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર મુખ્યમંત્રી મમતા બેનર્જી હાજર નહોતા. તેમના બદલે સિલિગુડીના મેયર ગૌતમ દેબે રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. આ અંગે પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રપતિએ શાંતિપૂર્ણ અંદાજમાં કહ્યું કે મમતા બેનર્જી તેમની નાની બહેન જેવી છે અને તેઓ પણ બંગાળની પુત્રી છે, તેથી તેઓ જાણતા નથી કે મુખ્યમંત્રી તેમની પર નારાજ છે કે કેમ, પરંતુ તે મુદ્દો તેમના માટે ખાસ મહત્વનો નથી. આ વચ્ચે રાષ્ટ્રપતિને કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવા માટે પસંદ કરાયેલા માર્ગની સ્થિતિ પર પણ સવાલો ઉઠ્યા છે. અહેવાલો અનુસાર રસ્તા પર કચરો જોવા મળતા કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને સ્પષ્ટતા માંગવામાં આવી છે અને દાર્જિલિંગ જિલ્લા મેજિસ્ટ્રેટ, સિલિગુડી પોલીસ કમિશનર તેમ જ વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ સામે લેવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી માંગવામાં આવી છે. રાષ્ટ્રપતિ મુર્મુ આદિવાસી સમુદાયના વાર્ષિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા, જે શરૂઆતમાં સિલિગુડીના બિધાનનગરમાં યોજાવાનો હતો, પરંતુ સુરક્ષા અને લોજિસ્ટિક્સ કારણોસર તેને બાદમાં બાગડોગરા એરપોર્ટ નજીક ગોશાઈપુર ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીની ગેરહાજરી પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે સામાન્ય રીતે જ્યારે રાષ્ટ્રપતિ કોઈ રાજ્યમાં આવે છે ત્યારે મુખ્યમંત્રી અને મંત્રીઓ હાજર રહેતા હોય છે. ઘટનાને લઈને ભાજપના નેતાઓએ ટીએમસી સરકાર પર રાષ્ટ્રપતિના અપમાનનો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાન મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ રાજ્ય સરકારની ટીકા કરી છે. બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ આરોપોને નકારી કાઢતા કહ્યું કે કાર્યક્રમના સ્થળમાં ફેરફાર સુરક્ષા અને લોજિસ્ટિક્સ કારણોસર કરવામાં આવ્યો હતો અને તેની જાણકારી રાષ્ટ્રપતિ કાર્યાલયને અગાઉથી આપવામાં આવી હતી. તેમણે આ વિવાદને આવનારી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના રાજકીય અભિયાનનો ભાગ ગણાવ્યો છે.