ભારત જીતશેના ઉત્સાહી જયઘોષ પ્રતાપનગરમાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ છવાયો
રણમૂકતેશ્વર મહાદેવ મંદિરે ઐતિહાસિક પૂજા કરવામાં આવી,


( પ્રતિનિધિ )વડોદરા,તા.8
ICC મેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ પહેલાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. અમદાવાદમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે થનારા મુકાબલાની જીત માટે વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં રણમૂકતેશ્વર મહાદેવ મંદિરે વિશેષ 1008 આહુતિયુક્ત હવન કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ જોડાયા હતા.
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો વચ્ચે અમદાવાદમાં આઈસીસી ટી 20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાશે. જેને લઈને વડોદરા શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપ જીતે તે માટે યજ્ઞ કરી તેમાં પંચતત્વોની આહુતિઓ આપવામાં આવી હતી. જેમાં ગાયના છાણા, જવ, તલ, લાકડા અને ઘીના પંચતત્વો દ્વારા આહુતિઓ આપી હતી. ટીમ ઇન્ડિયાની જીત માટે ભગવાનના આશીર્વાદ મેળવવાની આ ધાર્મિક પ્રવૃત્તિએ આખા વિસ્તારમાં ઉત્સાહ ફેલાયો દીધો હતો. હવન દરમિયાન ભારતની જીતશેના જયઘોષ કરવામાં આવ્યા હતા. ક્રિકેટપ્રેમીઓ દ્વારા દેશભરમાં આજે પ્રાર્થનાઓ યોજાઈ રહી છે. જે ટીમ ઈન્ડિયાને નવી ઊર્જા આપશે. ક્રિકેટ પ્રેમી તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે આઇસીસી વર્લ્ડ કપ ક્રિકેટ ફાઈનલ મેચ જે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જય રહી છે, તેના કારણે સમગ્ર ભારતમાં એક ખુશીની લહેર છે કે, ગુજરાતના અમદાવાદમાં આ મેચ રમવા જઈ રહી છે. જેની માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, ભારતીય ખેલાડીઓને એક શક્તિ એક ઊર્જા આપે અને ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારી રીતે જીતે. આ માટે આજે અમે યજ્ઞ કરી 1008 આહુતિ આપી છે. જેમાં જઉ, તલ,લીલા મરચાં અને છાણા, ઘીનો ઉપયોગ કરીને ભગવાનને આહુતિ આપી છે. જેથી કરીને ભારત જીતે અને દેશભરમાં લોકો આ વિજય ઉત્સવ મનાવે.