Vadodara

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની ઝાળ વડોદરા સહિત ભારતીય રસોડા સુધી: રાંધણ ગેસમાં ₹60નો તોતિંગ વધારો

મોંઘવારીનો ડામ: 11 મહિનાના લાંબા વિરામ બાદ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા; કોમર્શિયલ સિલિન્ડરમાં પણ ₹115 ઝીંકાયા

વડોદરા: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસતી જતી યુદ્ધની સ્થિતિની સીધી અને માઠી અસર વડોદરા સહિત ભારતીય ગૃહિણીઓના રસોડા પર પડી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલા તણાવને કારણે ઊર્જા ક્ષેત્રે અનિશ્ચિતતા સર્જાતા ભારતમાં રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. શનિવાર, 7 માર્ચથી અમલી બનેલા નવા દરો મુજબ, ઘરેલું વપરાશના 14.2 કિલોના સિલિન્ડરમાં 60 રૂપિયાનો વધારો થયો છે.
એપ્રિલ 2025 પછી પ્રથમ વખત ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો નોંધાયો છે. આ ભાવવધારાને કારણે સામાન્ય મધ્યમ વર્ગના બજેટ ખોરવાઈ ગયા છે. માત્ર ઘરેલું જ નહીં, પરંતુ હોટલ, ઢાબા અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 115 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં બહારનું જમવું પણ મોંઘું થઈ શકે છે.
મિડલ ઈસ્ટમાં વધતા જતા સંકટને ધ્યાનમાં રાખીને ભારત સરકારે દેશની ‘એનર્જી સિક્યોરિટી’ સુનિશ્ચિત કરવા માટે કમર કસી છે. આંતરરાષ્ટ્રીય તણાવને કારણે જો ભવિષ્યમાં સપ્લાય ચેઈન પ્રભાવિત થાય, તો દેશમાં ગેસની અછત ન સર્જાય તે માટે સરકારે 6 માર્ચના રોજ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
આ બેઠકમાં કેન્દ્ર સરકારે જાહેર અને ખાનગી ક્ષેત્રની તમામ ઓઈલ રિફાઇનરીઓને તાકીદનો નિર્દેશ આપ્યો છે કે તેઓ રાંધણ ગેસનું પ્રોડક્શન તાત્કાલિક ધોરણે વધારે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જેથી વૈશ્વિક કટોકટીની સ્થિતિમાં પણ સ્થાનિક બજારમાં ગેસની ઉપલબ્ધતા પર કોઈ મોટી અસર ન પડે અને નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં નવી કિંમતોની વિગત …
1.અમદાવાદમાં 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ 860 રૂપિયા અને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1,759 રૂપિયા થયો છે.
2.રાજકોટમાં ઘરેલું ગેસ 858 રૂપિયા અને કોમર્શિયલ ગેસ 1,732 રૂપિયાના ભાવે મળશે.
3.વડોદરામાં ઘરેલું સિલિન્ડરની કિંમત 859 રૂપિયા અને કોમર્શિયલની 1,802 રૂપિયા નક્કી કરાઈ છે.
4.સુરતમાં ઘરેલું ગેસ 858 રૂપિયા અને કોમર્શિયલ ગેસ 1,692 રૂપિયાના ભાવે ઉપલબ્ધ થશે.

Most Popular

To Top