ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા કરણવીર બોહરાના પિતા અને જાણીતા ફિલ્મ નિર્માતા મહેન્દ્ર બોહરાનું નિધન ગઈકાલે તારીખ 04-03-2026ના રોજ હોળીના દિવસે થયું હતું . તેમના અવસાનની માહિતી કરણવીર બોહરાએ સોશિયલ મીડિયા દ્વારા આપી અને પિતાને યાદ કરતાં ભાવુક શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપી છે. કરણવીરે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે તેઓ પોતાના પિતાને શબ્દોથી પણ વધારે યાદ કરશે. તેમણે લખ્યું કે જેણે પોતાના માતા-પિતા ગુમાવ્યા હોય તે જ આ દુઃખને સાચે સમજ શકે છે. જોકે તેમને એ સંતોષ છે કે તેમના પિતાએ એક સુંદર અને પૂર્ણ જીવન જીવ્યું. કરણવીરે પોસ્ટમાં વધુમાં લખ્યું કે તેમના પિતા હંમેશા કહેતા હતા કે તેઓ આ દુનિયામાંથી શાંતિથી અને કોઈ તકલીફ વિના જવા માંગે છે, અને અંતે એવું જ થયું. તેમણે જણાવ્યું કે તેમના પિતા ખૂબ મજબૂત સ્વભાવના હતા અને હંમેશા પોતાની શરતો પર જીવન જીવતા હતા. એક્ટરે જણાવ્યું કે તેમના પિતાએ તેમને જીવનની અનેક મહત્વપૂર્ણ શિખામણો આપી. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આશા ન છોડવી, પડ્યા પછી ફરી ઊભા થવું અને જીવનને સકારાત્મકતા સાથે જીવવું, આ તમામ મૂલ્યો તેમણે પોતાના પિતાથી શીખ્યા હોવાનું કરણવીરે જણાવ્યું.
કરણવીરે વધુમાં કહ્યું કે તેમના પિતાએ તેમને સપના જોવાની હિંમત અને મહેનત કરવાની પ્રેરણા આપી. તેમણે લખ્યું કે પિતાએ તેમને શીખવ્યું કે એક પ્રોડ્યુસરના એક્ટર તરીકે પોતાના કામ પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ અને શૂટિંગનો શોટ પૂર્ણ કર્યા વગર સેટ છોડવો નહીં. સાથે જ તેમણે સર્જનાત્મકતા અને લોકો સાથે સારો વ્યવહાર રાખવાની પણ શિખામણ આપી. કરણવીરે જણાવ્યું કે તેમના પિતાને ઓળખનારા દરેક લોકો તેમને ખૂબ સારા અને ઉદાર સ્વભાવના માણસ તરીકે યાદ કરે છે. તેમણે કહ્યું કે તેઓ પોતાને નસીબદાર માને છે કે તેમને આવા પિતા મળ્યા. મહેન્દ્ર બોહરા ઘણા દાયકાઓ સુધી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય રહ્યા હતા. તેઓ જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રામકુમાર બોહરાના પુત્ર હતા અને પોતાની કારકિર્દી દરમિયાન અનેક હિન્દી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેમણે ‘તેજા’, ‘લશ્કર’, ‘ટક્કર’, ‘પ્યાર કા કર્ઝ’ અને ‘હમેં તુમસે પ્યાર કિતના’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. તેમની ફિલ્મોમાં નસીરુદ્દીન શાહ, સંજય દત્ત, સુનીલ શેટ્ટી અને સોનાલી બેન્દ્રે જેવા મોટા કલાકારો જોવા મળ્યા હતા. મહેન્દ્ર બોહરાના અવસાનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક પ્રસરી ગયો હતો.