મિડલ ઇસ્ટમાં વધી રહેલા સંઘર્ષ અને હુમલાઓની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાડી ક્ષેત્રના અગ્રણી નેતાઓ સાથે સતત સંપર્ક સાધ્યો છે અને હાલ થઈ રહેલી ઘટનાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. 3 માર્ચે PM મોદીએ ઓમાનના સુલતાન Haitham bin Tarik અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલેદ અલ-હમદ અલ-મુબારક અલ-સબાહ સાથે ટેલિફોન પર ચર્ચા કરી. ચર્ચા દરમિયાન તેમણે બંને દેશોમાં થયેલા તાજેતરના હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી અને ત્યાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી વિશે વિગતવાર માહિતી મેળવી હતી. તે પહેલાં 2 માર્ચે PM મોદીએ બહેરીનના રાજા Hamad bin Isa Al Khalifa અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ Mohammed bin Salman સાથે પણ વાતચીત કરી હતી. તેમણે બંને દેશો પર થયેલા હુમલાઓની કડક નિંદા કરી અને પ્રદેશમાં શાંતિ જળવાઈ રહે તે માટે સંવાદ અને સ્થિરતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
રવિવારે PM મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ Mohamed bin Zayed Al Nahyan સાથે પણ ચર્ચા કરી હતી. ખાડી ક્ષેત્રમાં વધી રહેલા હુમલાઓ અને વિસ્ફોટોની શ્રેણી એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાન અમેરિકા અને ઇઝરાયલની કાર્યવાહીના જવાબમાં પ્રદેશના લક્ષ્યોને નિશાન બનાવી રહ્યું છે. મિડલ ઇસ્ટ હાલ તણાવ અને અસ્થિરતાના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. આવા સમયમાં ભારતે રાજનૈતિક સ્તરે સક્રિયતા વધારી છે. PM મોદીની આ સતત વાતચીતનો મુખ્ય ઉદ્દેશ ખાડી દેશો સાથે સંવાદ મજબૂત રાખવાનો, શાંતિ માટે સહકાર જાળવવાનો અને વિદેશમાં રહેલા ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હોવાનું માનવામાં આવે છે.