National

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે મોટી રાહત: 580 ભારતીયોને લઈ ફ્લાઈટ મુંબઈ પહોંચી, પીવી સિંધુ સુરક્ષિત વતન પરત

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધસમાન તણાવ વચ્ચે ફસાયેલા ભારતીયો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વમાં ફસાયેલા 580 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ ફ્લાઈટ મુંબઈમાં સુરક્ષિત રીતે ઉતરી છે. આ પહેલાં 149 મુસાફરોને લઈને એક વિમાન નવી દિલ્હીમાં ઉતર્યું હતું. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે અનેક દિવસો સુધી સ્થગિત રહેલી ફ્લાઈટ સેવાઓ મર્યાદિત રીતે ફરી શરૂ થતા ભારતીયોને વતન પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બની છે.

અમીરાતની ફ્લાઈટ EK 500 મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી, જ્યારે અબુ ધાબીથી નીકળેલી પહેલી ફ્લાઈટ બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચી હતી. આ સિવાય અન્ય સેવાઓ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ચેન્નાઈ એરપોર્ટ પર પણ ઉતરી હતી. દુબઈથી બેંગલુરુ જતી EK 568 ફ્લાઈટમાં સવાર મુસાફરોએ જણાવ્યું કે “આ પહેલી ફ્લાઈટ છે” એવી જાહેરાત સાંભળતાં જ મુસાફરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ અને તાળીઓના ગડગડાટ સાથે સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો.

એતિહાદ એરવેઝ દ્વારા અબુ ધાબીથી સંચાલિત ચાર વિશેષ નિકાસ ફ્લાઈટ્સ દ્વારા પણ ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. EY216 દિલ્હી, EY204 મુંબઈ, EY238 બેંગલુરુ અને EY334 કોચી પહોંચી હતી. મુસાફરોના જણાવ્યા મુજબ ફ્લાઈટ્સ રદ થતાં એરલાઈન્સે હોટેલ વ્યવસ્થા અને અન્ય જરૂરી સહાય પૂરી પાડી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વધુ રાહતની જાહેરાત કરતા જણાવ્યું છે કે IndiGo 3 માર્ચે જેદ્દાહથી 10 વિશેષ રાહત ફ્લાઈટ્સ સંચાલિત કરશે. આ કામગીરી જરૂરી મંજૂરી અને હવાઈ ક્ષેત્રની સ્થિતિને આધીન રહેશે. ઉપરાંત એક ટ્રાવેલ પ્લેટફોર્મે પણ ફુજૈરાહથી દિલ્હી અને મુંબઈ માટે વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સની જાહેરાત કરી છે. બીજી તરફ, Air Indiaએ મધ્ય પૂર્વની તમામ ફ્લાઈટ્સનું સસ્પેન્શન 3 માર્ચ રાત્રે 11:59 વાગ્યા સુધી લંબાવ્યું છે. જોકે અસરગ્રસ્ત મુસાફરોને રિફંડ અથવા ફ્રી રિશેડ્યુલિંગની સુવિધા આપવામાં આવશે અને અમેરિકા, કેનેડા તથા યુરોપ માટેની સેવાઓ યથાવત ચાલુ રહેશે. આ રીતે તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ભારતીય નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે સરકાર અને એરલાઈન્સ સંયુક્ત પ્રયાસો કરી રહી છે.

આ દરમિયાન ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ પણ દુબઈમાં ફસાઈ ગયા હતા. આ સ્થિતિમાંથી સુરક્ષિત રીતે વતન પરત ફર્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, બેંગ્લોરના ઘરે સુરક્ષિત રીતે ઘરવાપસી, છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલ અને અનિશ્ચિત રહ્યા છે, પરંતુ હું ઘરે પાછા ફરવા બદલ ખરેખર આભારી છું. અદ્ભુત ગ્રાઉન્ડ ટીમ, દુબઈ સત્તાવાળાઓ, એરપોર્ટ સ્ટાફ, ઇમિગ્રેશન અને આ મુશ્કેલ સમયમાં અમારી સંભાળ રાખનારા અને અમારી સંભાળ રાખનારા દરેકનો હૃદયપૂર્વક આભાર. તેમની સહાનુભૂતિ અને વ્યાવસાયિકતા ઘણું કહી જાય છે. હાલ માટે, આરામ કરવાનો, ફરીથી સેટ કરવાનો અને આગળના પગલાં લેવાનો સમય છે

Most Popular

To Top